જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં ૮મી બેચનાં ૯૨ એગ્રો ઈનપુટ ડીલરનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ મેનેજમેન્ટ અભ્યાસક્રમ પૂર્ણ થતા તેમની વિદાય અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને કુલપતિ ડો. વી. પી. ચોવટીયાએ જણાવ્યું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભારતમાં આ કોર્ષ શરૂ કરવા તેમજ પૂર્ણ કરવામાં પ્રથમ રહેલ છે. આ કોર્ષ તાલીમાર્થીઓ માટે પ્રેરણારૂપ અને મહત્વનો પુરવાર થશે. ભારત પાસે વિશ્વની કુલ જમીનના ૨.૪% જમીન છે. જયારે વિશ્વની વ્યક્તિના ૧૮ ટકા વસ્તી ભારતમાં વસે છે. છતા આપણે અનાજની નિકાસ કરીએ છીએ, હવે ગ્લોબેનાઈઝેશન પરીસ્થિતિમાં ખેડૂતોના પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થવા સંભવ છે. આ સમયે ખેડૂતોના પાકનુ ઉત્પાદન ન ઘટે માટે તમારી ભૂમિકા મહત્વની છે. ૫૦ ટકા ખેડૂતો આ તાલીમાર્થીઓને પૂછીને જ ખેતીકાર્ય કરે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્ય અને સોલાર એગ્રોટેકના ચેરમેન ડો. ટી. એલ. ઢોલરીયા જણાવ્યું કે,આ તાલીમાર્થીઓ જ ખેડૂતોના સાચા સલાહકાર છે, કારણ કે તમારી પાસેથી જંતુનાશક, ફૂગનાશક અને ખાતરો ખેડૂતો લેતા હોય છે. તમારે ખેડૂતોને ભલામણ કરેલ દવાની સાચી માહિતી અને દવાનું પ્રમાણ કહેવું જાેઈએ. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી. જાદવએ જણાવ્યું કે, આ કોર્ષમાં પાયામાં મુખ્ય કીટક, રોગ, જમીન રસાયણ, જુદા-જુદા કાયદાઓ, ખેડૂત લક્ષી યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવી છે. તદુપરાંત ખેતીને આધુનિક બનાવવા માટે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ થવું જાેઈએ અને છેલ્લામાં છેલ્લી ટેકનોલોજીથી વાકેફ કરવા આવ્યા છે. ડૉ. એચ. એમ. ગાજીપરા, નિવૃત વિસ્તરણ શિક્ષણ નિયામકે કહ્યું કે, તમે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવામાં મહત્વનો પુરવાર થશે. આ અભ્યાસક્રમ અહીં પૂરૂ થઇ જતો નથી પણ હવે તમારો યુનિવર્સિટી સાથેનો સબંધ બંધાણો છે. જેથી યુનિવર્સિટીના સંપર્કમાં રહેવું જાેઈએ. તમારા માટે યુનિવર્સિટીના દ્વાર ખુલ્લા છે. તમારે યુનિવર્સિટીમાં સમયાનુસાર મુલાકાત લેવાથી યુનિવર્સિટીની ખેતીલક્ષી નવી ટેકનોલોજીથી વાકેફ પણ થઈ શકશો. કુલપતિ ડો. વી. પી. ચોવટીયાએ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે ડીલરો તરફથી કુલપતિ ડો. વી. પી. ચોવટીયા અને અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમ્રગ કાર્યક્રમનું સંચાલાનવિસ્તરણ શિક્ષણશાસ્ત્રી ડો. બી. એન. કલસરીયાએ કર્યું હતુ. આ પ્રસંગે ડો. જી. આર. ગોહિલ, એન. આર. કાવર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.