માંગરોળમાં રાષ્ટ્રધ્વજના અપમાનને પગલે લોકોમાં રોષ

0

માંગરોળમાં રાષ્ટ્રધ્વજનો અપમાનજનક કિસ્સો બહાર આવતા લોકોમાં રોષ ફેલાયો છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ તિરંગાની ગરીમા અને સન્માન જળવાઈ રહે તે હેતુથી યુવાનો દ્વારા મુકવામાં આવેલી તિરંગા સુરક્ષા પેટીમાંથી વહેલી સવારે તિરંગાઓ કાઢી અસ્ત વ્યસ્ત જગ્યામાં ફેંકી દઈ, પેટીનો પણ ઘા કરી દેવાતા ચકચાર ફેલાઈ છે. આ સંબંધે પોલીસમાં અરજી આપવામાં આવી છે. માંગરોળમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી બાદ એક પણ તુટેલો, ફાટેલો તિરંગો રસ્તામાં ન રઝળે, રાષ્ટ્રધ્વજની પવિત્રતા અકબંધ રહે તેવા ઉદ્દેશથી પાંચેક યુવાનો દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ખંડિત થયેલા તિરંગા એકત્ર કરવા તા.૧૪ના રોજ શહેરના ટાવર ચોક, લીમડા ચોક, નવા બસ સ્ટેશન, બંદરઝાંપા, ગાંધી ચોક વિસ્તારમાં તિરંગા સુરક્ષા પેટી મુકવામાં આવી હતી. આ નવતર અભિગમની લોકોએ પણ નોંધ લીધી હતી. આજે એકત્રિત થયેલા તિરંગાની પેટીઓને બંદર ખાતે શહીદ સ્મારક ખાતે વિસર્જિત કરવાની હતી. પરંતુ સવારે ટાવર ગાર્ડન પાસે રાખવામાં આવેલી કલેક્શન પેટીને ત્યાંથી લઈ, ૪૦ થી ૫૦ મીટર દુર અસ્ત વ્યસ્ત જગ્યામાં તિરંગા નાંખી દેવાયેલા અને પેટી પણ ફેંકી દેવામાં આવી હોવાનું નજરે પડતા લોકોમાં ભારે કચવાટ ફેલાયો હતો. એક તરફ યુવાનોએ રાષ્ટ્રભક્તિનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો બીજી તરફ તિરંગાના અપમાન સમાન આવા કૃત્યમાં સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ જવાબદારો સુધી પહોંચે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

error: Content is protected !!