મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો નવતર અભિગમ : પંચાયત સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪નાં કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ બની

0

૧૧૭૯ કર્મચારીઓની ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ટ્રાન્સફર્સને મુખ્યમંત્રીની મંજૂરીની મહોર : પંચાયત સંવર્ગની વિવિધ ૨૨ કેડરને મળશે લાભ

રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ નાં ૧૧૭૯ કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીની કાર્યવાહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરીની મહોર મારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વહીવટમાં ટ્રાન્સપેરન્સી અને એફિશિયન્સીને વેગવંતી બનાવવાના વિઝન સાથે ઓનલાઇન, ફેસલેસ અને ટ્રાન્સપેરન્ટ એવી આ બદલી પ્રક્રિયાનો અભિગમ પંચાયત વિભાગે પ્રથમવાર અપનાવ્યો છે. આવી આંતર જિલ્લાઓની બદલીઓ માટેની અરજીઓમાં જેમને અગ્રતા આપવામાં આવી છે તેમાં દિવ્યાંગ કર્મચારીઓને, પતિ-પત્નીની નોકરીના કિસ્સામાં પતિ અથવા પત્નીએ જે જિલ્લામાં આંતર જિલ્લા ફેરબદલીથી જવા માટે અરજી કરી હોય તે જ જિલ્લામાં તેમના પતિ અથવા પત્ની ફરજ બજાવતાં હોય તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે કર્મચારીને પોતાને અથવા તેના પરિવારમાં માતા-પિતા, પતિ-પત્ની, બાળકોને કેન્સર હોય, કિડની ડાયાલીસીસ કરાવવું પડતું હોય, છેલ્લાં બે વર્ષ દરમ્યાન ઓપન હાર્ટ સર્જરી-વાલ્વની સર્જરી કરાવી હોય, થેલેસેમીયાની સારવાર ચાલતી હોય કે ક્ષય, રક્તપિત્ત, ચિલ્ડ્રન વીથ સ્પેશિયલ નીડ જેવી બાબતો ધરાવનારાં કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ આંતર જિલ્લા ફેરબદલીનો લાભ તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, અને ગ્રામ સેવક સહિતની કૂલ ૨૨ જેટલા સંવર્ગની જગ્યાઓ માટે ૧૧૭૯ કર્મચારીઓને મળશે. આવી આંતર જિલ્લા ફેરબદલીમાં યોગ્ય કર્મચારીઓને લાભ મળે તેમજ કોઈ ગેરરીતિને અવકાશ ન રહે તેવા કર્મયોગી હિતકારી અભિગમ સાથે પંચાયત વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવી આંતર જિલ્લા ફેરબદલીની સમગ્ર પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકોની સુવિધા-સુખાકારી સાથે સીધા સંકળાયેલા આ પંચાયત સેવાના કર્મયોગીઓની આંતર જિલ્લા બદલીઓને પરિણામે જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી ન રહે, અસંતુલન ન થાય તેમજ જરૂરિયાત મુજબનું માનવ બળ મળી રહે તેવો એપ્રોચ રાખવા પણ પંચાયત વિભાગને પ્રેરિત કર્યો છે. પંચાયત વિભાગે મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનોને પગલે ભરતી પ્રક્રિયા કેલેન્ડર વધુ સુગ્રથિત બનાવ્યું છે. આ કેલેન્ડર મુજબ તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી સંવર્ગની ૩૪૩૭ જગ્યાઓની સીધી ભરતી માટે ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોની, જુનિયર ક્લાર્ક સંવર્ગની ૧૧૮૧ જગ્યાઓની સીધી ભરતી માટે ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોની અને ૮૧ ગ્રામ સેવકોની ભરતી અંગેની જિલ્લા પસંદગી કાર્યવાહી સહિતની સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ ર્નિણયને પરિણામે પંચાયત સંવર્ગમાં જરૂરી માનવ બળની ઉપલબ્ધિ વધુ સરળ અને સમયસરની બનશે એટલું જ નહીં, આંતર જિલ્લા ફેરબદલીની ઓનલાઇન પ્રક્રિયાને પરિણામે કર્મચારીઓને પોતાની પસંદગીના જિલ્લામાં કામ કરવાની તક મળવાથી કાર્યક્ષમતા અને કામની ગુણવત્તામાં પણ વૃદ્ધિ થશે.

error: Content is protected !!