જૂનાગઢ, કેશોદ, માળીયા, વંથલી, બાંટવા પંથકમાં પોલીસે જુગાર દરોડા પાડયા હતા અને જુગારીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસે વડાલ ગામે વાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પ્રવિણભાઈ વેલજીભાઈ દોમડીયા સહિત આઠ વ્યકિતઓને રૂા.ર,૭૧,૪ર૦ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ તાલુકાના સોંદરડા ગામે રહેતા રામભાઈ ભીખા ડાકી તેના રહેણાક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડીને રામ ભીખા તેમજ પ્રભાસ પાટણનો અલ્તાફ ઈબ્રાહીમ ચૌહાણ, મુસ્તાક અહેમદ ભાદરકા, કેશોદનો પ્રભુદાસ નરસી કમાણી, અરૂણ લક્ષ્મણભાઈ આસોદરિયા, સોંદરડા ગામનો કેશવ લક્ષ્મણ ગોરડ, ભરત ઉનડભાઈ સોનરાજ અને લાડુડી ગીર ગામનો ભરત ભૂરા વાઢીયાને ૫૧,૧૦૦ની રોકડ તેમજ ત્રણ મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૫૭,૮૫૦ના મુદ્દા માલ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. કેશોદના ગીતાનગર પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી રૂપિયા ૩૧,૦૧૦ના મુદ્દામાલ સાથે પોલીસે જુગાર ખેલતા પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમજ માળીયાહાટીનાના રામઝરૂખા વાડી વિસ્તારમાં રહેતા રાણા હમીર સિસોદિયાની વાડી સામે આવેલ પડતર જગ્યામાં જુગાર રમતા ૫ શખ્સોને ૧૦,૪૬૦ની રોકડ રકમ તેમજ ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨૫,૪૬૦ના મુદ્દામાલ સાથે જુગાર રમવા સબબ પોલીસે ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. વંથલી પોલીસે ટીનમસ ગામે સીમ વિસ્તારમાં રહેતા પરસોતમ ભીખન ઘોયલનાં મકાનમાં જુગાર રેઇડ પાડીને પરસોતમ ભીખન તેમજ રાહુલ પરસોતમ, ચંદુ હરિ ગોહેલ અને બાબુ ભીખન લોલાડિયાને રૂપિયા ૭૬,૯૨૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ કાર્યવાહી દરમ્યાન પરેશ હીરા કિડીયા, કાળુ હીરા કીડીયા, વિપુલ દેવા લોલાડીયા નામના જુગારી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બાટવા લીંબુડા ગામે જુગાર દરોડો પાડીને ભરત જીવા મોકરીયા, નવઘણ વિરમ સગારકા, શૈલેષ મગન ધામેચા, ભાવેશ હરિ વઘેરીયા, મુકેશ ભલા ધામેચા, સંકેત દિનેશ મોરી અને રૂપેશ વલ્લભ અઘેરાને રૂપિયા ૧૧,૦૮૦ની રોકડ સાથે જુગાર ખેલતા પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.