રાવલ નગરપાલિકાની વી.પી.પી. પાર્ટીના સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

0
ધારાસભ્ય તથા આગેવાનોની ઉપસ્થિતિમાં વ્યવસ્થા પાર્ટીના સદસ્યો ભાજપમાં જોડાયા 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની નગરપાલિકામાં સૌપ્રથમ વખત નોંધપાત્ર કહી શકાય તેટલી સીટો સાથે ભાજપને મહાત આપીને ગત ચૂંટણીમાં સ્થાનિક એવી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના સદસ્યો વિજેતા થયા હતા અને સ્પષ્ટ બહુમતી સાથે રાવલ નગરપાલિકામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી (વી.પી.પી.) નું શાસન સ્થપાયું હતું. પરંતુ સમય જતા રાજકારણ પલટાયું હતું અને અંતે ભાજપના હાથમાં સત્તાનું સુકાન આવી ગયું હતું. આજથી આશરે અઢી વર્ષ પૂર્વે યોજાયેલી રાવલ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 24 સભ્યો પૈકી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 12, ભાજપના 8 તથા 4 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા. જેમાં કોંગ્રેસના સહયોગથી વીપીપીનું શાસન આવ્યું હતું. વીપીપીના સભ્યોની બહુમતી સાથેની રાવલ નગરપાલિકામાં સર્જાયેલા આંતરિક સખળડખળ, અવિશ્વાસની દરખાસ્ત સહિતના વિવાદ વચ્ચે વી.પી.પી.ના ઉચ્ચ કક્ષાએથી સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સહિતના પગલા બાદ થોડા સમય પૂર્વે વીપીપીના ચાર સભ્યો ભાજપના જોડાયા હતા. આ પછી ગઈકાલે દ્વારકા ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પ્રભારી હરભમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ રાવલના અગ્રણી કેતનભાઈ બુધભટ્ટીની ખાસ ઉપસ્થિતિમાં વીપીપીના વધુ છ મળી કુલ 10 સભ્યોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.  હાલ 24 સભ્યો પૈકી ભાજપ પાસે 20 સભ્યોનું સંખ્યાબળ થયું છે. જ્યારે અન્ય બે સભ્યો કોંગ્રેસના અને બે વીપીપીના હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાવલ નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ પદના હોદ્દેદારોની વરણી થનાર છે. ત્યારે છેલ્લી ચૂંટણીમાં વીપીપીના સભ્યો સૌથી વધુ ચૂંટાયા હતા. પરંતુ આગામી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહેશે.
error: Content is protected !!