ભાણવડ નજીક આવેલા સુવિખ્યાત પ્રવાસન તથા ધર્મસ્થળ એવા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીકની જગ્યાનું ધોવાણ થતું હોવા અંગેની રજૂઆત કરવામાં આવતા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સંદર્ભે પ્રોટેક્શન વોલના નિર્માણ અર્થે સરકારી તંત્ર દ્વારા રૂપિયા સાડા ચાર કરોડ જેટલી નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી છે.
ભાણવડ નજીકના માર્ગ પર આવેલા જાણીતા એવા શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસેથી પસાર થતી વર્તુ – 2 નદીનો વિસ્તાર ત્રિવેણી સંગમ તરીકે વિખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને વર્ષમાં એક વખત લોકમેળો પણ યોજવામાં આવે છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર – ત્રિવેણી સંગમ ખાતે વર્તુ – 2 નદીના એક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતું હોવાથી આ સ્થળે પ્રોટેક્શન વોલ બનાવવા માટેની રજૂઆત અગાઉ સરકાર સમક્ષ કરવામાં આવી હતી.
આ સાથે તાજેતરમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શુભેચ્છક મિત્ર મંડળ દ્વારા ઈન્દ્રેશ્વર વિસ્તારમાં જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે પ્રોટેક્શન દીવાલ અનિવાર્ય હોય એવા અંગેની કરવામાં આવેલી રજૂઆતના સંદર્ભે તેમના દ્વારા સરકારના સંબંધિત વિભાગમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ અને નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આ સ્થળે પ્રોટેકશન વોલના નિર્માણ માટે રૂ. 4.45 કરોડ જેટલી નોંધપાત્ર રકમ મંજૂર કરવામાં આવી હોવાનો લેખિત આદેશ કરવામાં આવ્યો છે.
આ રકમથી મંદિરની બંને બાજુ નદીના છેવાડે આશરે સવાથી દોઢ કિલોમીટર આરસીસી દિવાલ બનશે. જેનાથી જમીનનું ધોવાણ અટકશે અને આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે. અહીં માટે રૂ. સાડા ચાર કરોડ જેટલી નોંધપાત્ર રકમ મંજૂર કરવામાં આવતા સ્થાનિક આગેવાનો તેમજ રહીશો દ્વારા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.