દ્વારકામાં ગુગળી બ્રહ્મસમાજ દ્વારા હેમાદ્રી સંકલ્પ સાથે પવિત્ર ગોમતી નદીમાં દેહશુદ્ધિ બાદ સમૂહ યજ્ઞોપવિત ધારણ કર્યા

0

જગતમંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા તેમજ યાત્રીકો સાથે સંકળાયેલાં ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જૂની પરંપરા અનુસાર ગઈકાલે બુધવારે બળેવ પૂર્ણિમાની ઊજવણી કરાઈ હતી જેમાં સવારે બ્રાહ્મણ દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહશુદ્ધિની વિધિ કરવામાં આવી હતી. જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી, હેમાદ્રી સંકલ્પ કરી, દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવી હતી. આ સાથે બ્રાહ્મણો દ્વારા ગાયત્રી મંત્રના જાપ પણ કરવામાં આવ્યા હતા. દેહશુદ્ધિ વિધિ સાથે સાથે ઋષિ પૂજન, ઋષિ તર્પણ, ગ્રહ – નક્ષત્ર – ઋતુ અને માસ તર્પણની વિધિ પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બપોરે જગતમંદિરમાં ઠાકોરજીના યજ્ઞોપવિત ધારણ વિધિ પછી સાડા બાર વાગ્યે ગુગળી બ્રહમપુરી ખાતે આશરે બે હજાર જેટલા જ્ઞાતિબંધુ પુરૂષો એક જ જગ્યાએ સમૂહમાં ધાર્મિક વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.
ગુગળી બ્રહમસમાજની સદીઓ જૂની આ સમૂહ યજ્ઞોપવિત ધારણની પરંપરા ગઈકાલે પણ યથાવત રીતે જળવાઈ રહી હોય જેમાં દરેક જ્ઞાતિબંધુ હોંશભેર જાેડાયા હતા.
ઠાકોરજીને ઉત્સવ ભોગમાં વિશેષ વ્યંજનો અર્પણ કરાયા
દ્વારકાધીશ જગતમંદિરમાં મધ્યાહન સમયે ઠાકોરજીને યજ્ઞોપવિત અર્પણ કરાયા બાદ ઉત્સવ ભોગ અર્પણ કરાયો હતો. જેમાં ઠાકોરજીને બાલભોગ ઉપરાંત વિશેષતઃ ગોળધાણાં, શીરો તથા ગોળપાપડીનો ભોગ અર્પણ કરાશે અને સાથે જ ઠાકોરજીની આરતી પણ કરવામાં આવી હતી. ઠાકોરજીના યજ્ઞોપવિત ધારત કર્યા બાદ જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજી સન્મુખ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી.
બળેવ પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો
યાત્રાધામ દ્વારકામાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. તેમાં પણ હાલમાં ચાલતા પવિત્ર શ્રાવણ માસમાં બળેવ પૂર્ણિમાનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો બુધવારે વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.
હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યુ
દ્વારકા યાત્રાધામમાં હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે બળેવ પૂનમ નિમિત્તે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ગઈકાલે બળેવ પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો વહેલી સવારથી સ્વર્ગ દ્વારે ભાવિકોની હકડેઠઠ ભીડ જાેવા મળી હતી.
દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીએ યજ્ઞોપવિત ધારણ કર્યાઃ પૂજારી પરિવાર દ્વારા શ્રીજીને રાખડી અર્પણ
દ્વારકાધીશ જગતમંદિરમાં બુધવારે બળેવ પૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે દ્વારકાધીશ મંદિરમાં ભગવાન દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા રાખડી અર્પણ કરવામાં આવી હતી. મધ્યાહન સમયે દ્વારકાધીશ રાજાધિરાજને શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞોપવિત પણ ધારણ કરાવવામાં આવી હતી. પૂજારી પરિવાર દ્વારા યજ્ઞોપવિતની અલાયદી વિધિ કરાયા બાદ ઠાકોરજીને યજ્ઞોપવિત તેમજ રાખડી અર્પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!