પ્રભારીઓ, મોવડીઓ દ્વારા સેન્સ લેવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકાના નવા સત્તાવાહકોની વરણી માટેની પ્રક્રિયા પાર્ટીના મોવડી મંડળ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હાલ ખંભાળિયામાં બહુમતી સભ્યો ધરાવતા રઘુવંશી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તેવો સુર પણ સાંભળવા મળી રહ્યો છે.
28 સભ્યો સાથેની ખંભાળિયા નગરપાલિકામાં ઐતિહાસિક સંખ્યા ધરાવતા 26 સભ્યો ભાજપના છે. ખંભાળિયા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદાની અઢી વર્ષની મુદ્દત આગામી દિવસોમાં પૂર્ણ થતી હોય, નવા પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનની નિયુક્તિ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે મહિલા સામાન્ય અનામતની આ બેઠક માટે અનેક સભ્યો વચ્ચે લોબિંગ તથા ખેંચતાણ ચાલી રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
ખંભાળિયા નગરપાલિકામાં હાલ કુલ 28 પૈકી સાત સભ્યો રઘુવંશી જ્ઞાતિના છે અને શહેરમાં રઘુવંશી જ્ઞાતિની નોંધપાત્ર વસ્તી વચ્ચે છેલ્લા આશરે દોઢ એક દાયકાથી રઘુવંશી જ્ઞાતિને પ્રમુખ પદ મળ્યું નથી. ત્યારે હવે આગામી ટર્મમાં રઘુવંશી જ્ઞાતિના મહિલા સભ્યને સત્તાનું સુકાન સોંપવામાં આવે તેમ નગરજનો તેમજ રઘુવંશી જ્ઞાતિજનોની અપેક્ષા છે.
ખંભાળિયા નગરપાલિકાના નવા સુકાનીઓ માટે આજરોજ પ્રભારીઓ, નેતાઓ દ્વારા સેન્સ અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ ખંભાળિયા નગરપાલિકામાં દાયકાઓ સુધી રઘુવંશી જ્ઞાતિના પ્રમુખ દ્વારા સુશાસન સંભાળવામાં આવ્યું હતું. જે સમયના કામો હજુ પણ નગરજનો યાદ કરે છે. ત્યારે હવે નગરપાલિકાના પ્રમુખ પદની જવાબદારી વધુ એક વખત રઘુવંશી જ્ઞાતિને સોંપવામાં આવે તેવી માંગ પ્રબુદ્ધ નગરજનોમાં ઉઠી રહી છે.
ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ પદ માટે સાત જેટલા દાવેદારો મેદાનમાં છે. ત્યારે હવે આગામી દિવસોમાં પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તે બાબતે પણ લોકોની મીટ મંડાઈ છે.