કેશોદ તાલુકાના અગતરાય ગામે રહેતા સમીરભાઈ અમુભાઈ જાદવ(ઉ.વ.૩પ)એ શબીર સુલેમાન સોઢા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીને સંગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને આરોપીને પણ તેની જ સાથે પ્રેમસંબંધ હોય આ દરમ્યાન આ અંગેની જાણ આરોપીને થતા આરોપીએ ફરિયાદીને અવાર-નવાર માણસો વચ્ચે હેરાનપરેશાન કરતા હોય તેમજ આ કામના ફરિયાદી સમીરભાઈએ શબીર સુલેમાનને સમાધાન કરવા બોલાવતા આરોપીએ ફરિયાદીને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ઢીકાપાટુનો માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદના નાયબ પોલીસ અધિકારી બી.સી. ઠક્કર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
માણાવદર તાલુકાના કોયલાણા ગામના વિદ્યાર્થીનું ગળાફાંસો ખાતા મૃત્યું
માણાવદર તાલુકાના કોયલાણા ઘેડ ગામે રહેતા રોહનભાઈ હરેશભાઈ મગરા(ઉ.વ.૧પ)ને અભ્યાસ કરવામાં મન ન લાગતું હોય જેથી પોતાની મેળે તેઓના ઘરે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેશોદમાં કારે ટક્કર મારતા બાઈક ઉપર જતા તબીબનું મૃત્યું
કેશોદના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બાઈકચાલક પિતા પુત્રને ફોરવ્હીલ કાર ચાલકે પુરપાટ ઝડપે આવી હડફેટે લેતા આકસ્મિક ઘટનામાં કેશોદમાં આર્યુવેદિક ડોકટરનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. કેશોદના ડો. ઉમેશભાઈ પ્રભાશંકર ભટ્ટ પોતાના પુત્ર રોહિત ઉમેશભાઈ ભટ્ટ સાથે મોટરસાયકલ લઈને અગતરાય રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ હોટલ પાસે રસ્તો ઓળંગવા ઈન્ડીકેટર ચાલું કરી વાળાંક લેતા વેરાવળ તરફથી આવી રહેલી ફોરવ્હીલ કારના ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક તબીબ ફંગોળાઈ જતા ઈજાગ્રસ્ત થયા હતા અને પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા હતા. ૧૦૮ દ્વારા તાત્કાલીક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત તબીબને જૂનાગઢ રીફર કરવામાં આવતા માર્ગમાં મોત નિપજયું હતું. કેશોદ શહેરમાં વિવિધ સમાજીક સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તબીબનું આકસ્મિક ઘટનામાં મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત પુત્રનું નિવેદન નોંધી ફોરવ્હીલ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.