સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો ટુંક સમયમાં નગારે ઘા.. લોકોની સમસ્યા, પ્રશ્નો, દાદ, ફરીયાદ સાંભળવા માટે દરેક વોર્ડમાં ચલાવાશે અભિયાન

0

જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે-બે દાયકા થઈ જવા છતાં પણ જૂનાગઢ શહેરની દિશા અને દશા એની એજ રહી છે. વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને આડેધડ કામો કરી અને બીનજવાબદાર પદાધિકારીઓ દ્વારા નાણાનો વ્યય કરી રહયા હોવાની ફરીયાદો ઉઠેલી છે. આમ જનતાના પ્રાણપ્રશ્નો જેવા કે પ્રાથમિક સુવિધાના લાઈટ, ગટર, પાણી, આરોગ્યલક્ષી પગલા તેમજ વિકાસ કાર્યોને આડેધડ ઘમરોડી નાખવામાં આવે છે અને પ્રજાના ઉના નિશાશા સંભળાય છે. જનતાને હૈયે ટાઢક વળે તેવું કોઈ કામ છેલ્લા ઘણાં વર્ષોથી મનપા તંત્ર કરી શકયું નથી. સરકાર નાણાની કોથળી ખુલ્લી મુકે છે અને છુટ્ટા હાથે જૂનાગઢને આર્થિક સહાય પુરી પાડે છે પરંતુ ર૦ વર્ષ પહેલા જે રસ્તાની હાલત હતી તેવીજ હાલત આજે પણ છે. તાજેતરમાં અતિ વરસાદે પુર જેવી સ્થિતી જૂનાગઢમાં સર્જી અને કોઈકના પાપે મતલબ કે જૂનાગઢ શહેરના ગેરકાયદેસર બાંધકામો કાળવા નદીના વોંકળા ઉપર ઠેકઠેકાણે બિલ્ડીંગો ખડકી દેવામાં આવી અને પેશકદમીઓ કહીએ તો પણ જરા પણ અતિશયોક્તિ નથી તેવી જગ્યાઓ ઉપર બાંધકાકમો ખડકી દઈ અને મનપા તંત્ર અને સત્તા સ્થાને બેઠેલા જવાબદાર પદાધિકારીઓની સાથે મિલીભગત રચી અને આડેધડ બાંધકામોને પણ મંજુરી આપી દઈ અને આ બાંધકામોની મલાઈ પણ બાંધકામ કરનારાઓએ મેળવી લઈને આજે મહેલોમાં આળોટી રહયા છે. પરંતુ કયારેક તો ખોટું કર્યુ હોય તેનું ફળ અવશ્ય મળે અને એજ બાબત તાજેતરમાં જાેવા મળી. જૂનાગઢ શહેરને પુર પ્રકોપને કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું, એટલું જ નહીં લોકોના ઘર, વાહન, ઘરવખરી, દુકાનોને નુકશાન, જર્જરીત બિલ્ડીંગોને નુકશાન સહિતની અનેક ઘટનાઓ બની છે પરંતુ જાડી ચામડીના નેતાઓને જાણે કોઈ અસર થતી ન હોય તેમ લાગે છે. ગુજરાતના મુખ્યમંત્રી સુધી અનેક રજુઆતો પણ થઈ છે અને આ જળ હોનારતમાં ખરેખર કોણ જવાબદાર છે તેની સામે પગલા ભરવાની માંગણી ઘણાં સમયથી છે. એક પ્રતિનિધિ મંડળ પણ ગાંધીનગર પહોંચ્યંુ હતું અને ઉગ્ર રજુઆતો પણ કરી છે ત્યારે ઉચ્ચકક્ષાએથી આદેશો છુટયા હોવા છતાં જૂનાગઢના પેધી ગયેલા આ રાજકારણીઓએ પોતાની રીતે ફાવે તેમ મનઘડત કામગીરી દાખવી જર્જરીત બિલ્ડીંગોને ઉતારી લેવા માટેની નોટીસો પાઠવી પરંતુ કોને નોટીસો પાઠવી છે તેનું ગુપ્ત લીસ્ટ રાખવામાં આવ્યું છે. તપાસની ટીમ અને સર્વેની કામગીરી પણ થઈ છે પરંતુ કેવો સર્વે થયો છે એ તો રામ જાણે.
જૂનાગઢમાં હજારો પરિવારોને જળ હોનારતમાં થયેલ નુકશાનીનું વળતર હજી સુધી અપાયું નથી અને વળતર ચુકવવાના નામે થયેલા સર્વે માત્ર કાગળ ઉપર જ રહયા છે. આ સાથે જ સર્વે માટે ૪૪.પ૦ લાખના ખર્ચને પણ મંજુર કરી દેવામાં આવ્યો છે. આમ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બીજીતરફ જૂનાગઢ વાસીઓને હૈયે ટાઢકનો શેરડો થાય એવા કોઈ કામ મનપા તંત્ર કરી શકયું નથી અથવા તો કરવા માંગતું નથી. કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરોની ધીંગી બહુમતી હોવા છતાં પણ આમ વટથી કોઈ કામ થતા ન હોવાની અનેક ફરીયાદો ઉઠી છે. કેટલાક પેધી ગયેલા કર્મચારીઓ કે પદાધિકારીઓ કોઈને ગાંઠતા નથી અને તેના વિરૂધ્ધ પણ અનેક ફરીયાદો પ્રજામાંથી ઉઠવા પામી છે. આવી બધીજ સમસ્યા અને અનેક પ્રશ્નો જનતાના દિલમાં છે અને તેને અસરકારક રજુઆત માટે તેઓ તત્પર છે. પરંતુ આ કાર્ય જાેઈએ તેવું થઈ શકતું નથી ત્યારે જૂનાગઢના લોકપ્રિય અખબાર અને પ્રજાનો ધબકાર બનેલા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા આ બીડું ઝડપી લેવામાં આવે છે અને ટુંક સમયમાં જ જૂનાગઢ શહેરના એટલે કે કોર્પોરેશનમાં સમાવિષ્ટ દરેકે દરેક વોર્ડમાં જનતાની સમસ્યા, ફરીયાદો અને મુશ્કેલીઓને સાંભળી અને તેના પ્રશ્નોને અસરકારક રજુઆત માટેનો એક તખ્તો ગોઠવાઈ રહયો છે. આ સાથે જ સંબંધીતોને પણ ચેતવણી આપવામાં આવી રહી છે કે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકપત્ર દ્વારા લોકોની ફરીયાદ માટેનું અભિયાન ચલાવવામાં આવનાર છે ત્યારે ‘હે પ્રજાના કહેવાતા સેવકો હવે તમે પણ સત્યના સામના માટે તૈયાર રહેજાે’ તેવી ચેતવણી અપાઈ છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વિના કે કોઈના પ્રભાવમાં આવ્યા વિના લોકોની સત્ય ફરીયાદોને વાચા આપવા માટે નમ્ર પ્રયાસ છે.

error: Content is protected !!