જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી : ભારે ઉત્સાહ

0

બજારોમાં ભગવાન ગણેશજીની આકર્ષક અને રંગબેરંગી મૂર્તિઓનું થઈ રહેલ વેંચાણ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશજીના ઉત્સવ ગણપતિ ઉત્સવને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ ઉત્સાહ, ઉમંગભેર અને ભાવભેર ઉજવવા માટે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને લોકોમાં ભારે ઉત્સાહ પ્રર્વિતી રહ્યો છે. દેવાધીદેવ ભગવાન શીવજીના આરાધનાનો મહિમા વર્ણવતા શ્રાવણ માસની પુર્ણાહુતી થતાની સાથે ભાદરવી અમાસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી અને દામોદર કુંડ સહિતના તીર્થ સ્થાનોએ ભાવિકોએ પોતાના સ્વજનોના આત્માના કલ્યાણ અર્થે પીતૃ તર્પણ વિધીના કાર્યક્રમો યોજયા હતા અને હવે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની સવારી આવી પહોંચનાર હોય ત્યારે રિધ્ધીસિધ્ધીના દાતા અને વિઘ્નહર્તા દેવને આવકારવા તેમજ ગણપતિ ઉત્સવને મનાવવા ભારે ઉત્સાહ પ્રર્વિતી રહેલ છે. આગામી તા.૧૯-૯-ર૦ર૩ ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ ઉત્સવનો પ્રારંભ થશે અને તા.ર૩-૯-ર૦ર૩ શનિવારના રોજ ગણપતિ ઉત્સવની પુર્ણાહુતી થશે. રિધ્ધીસિધ્ધીના દેવને કાલાવાલા અને પૂજન, અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહ પ્રર્વિતી રહ્યો છે. ગણપતિ ઉત્સવ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધુમથી મનાવવામાં આવતો હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં પણ ગણપતિ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં પણ ઠેર-ઠેર પંડાલો ઉભા કરીને અને ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણપતિ ઉત્સવની ઉજવણીના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન ગણેશજીની આર્ટીશો દ્વારા તૈયાર કરવામાં આવેલી મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!