જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા પાસે કારમાં મેફેડ્રોન ડ્રગ્ઝ સપ્લાય કરવા આવેલા બે અને રીસીવ કરનાર મળી કુલ ૩ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી રૂા.૧.૭૧ લાખની કિંમતનો ૧૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્ઝનો જથ્થો ઝડપી લીધો હતો. જૂનાગઢના બે શખ્સો ઝાંઝરડા ચોકડી પાસે આવેલા બેલાના પીઠા પાસે એક શખ્સને રાત્રિના સમયે ડ્રગ્ઝની ડિલીવરી આપવા આવવાના હોવાની બાતમી એસઓજીના એએસઆઇ મહેન્દ્રભાઇ વાલાભાઇ કુવાડીયા અને હેડ કોન્સટેબલ અનિરૂદ્ધભાઇ ચાંપરાજભાઇ વાંકને મળી હતી. આથી તેઓએ એસપી હર્ષદ મહેતાને જાણ કરતાં તેમની સુચનાથી પંચને સાથે રાખી એસઓજીના પીઆઇ એ.એમ.ગોહિલ વગેરેએ ગત તા.૧૪ સપ્ટે. ૨૦૨૩ના રોજ રાત્રે ૧૨ઃ૨૦ વાગ્યે વોચ ગોઠવી હતી. પોલીસ બેલાની ટ્રકો પાસે અંધારામાં છૂપાઇ ગઇ હતી. દરમ્યાન એક શખ્સે ચાલતા આવી બેલાના પીઠા પાસે ઉભા રહી કોઇને ફોન કર્યો હતો. આથી થોડીજ વારમાં ધોરાજી બાયપાસ તરફથી એક કાર આવીને ઉભી રહી હતી. એક શખ્સ કારનો દરવાજાે ખોલી કોઇક વસ્તુ ઉભેલા શખ્સને આપી હતી. તેણે એ વસ્તુ લઇ ખીસ્સામાં રાખી હતી. એજ વખતે પોલીસના માણસો ઇશારો થતાંજ આવી પહોંચ્યા હતા. અને કારને કોર્ડન કરી ચાવી કાઢી ઝડતી લીધી હતી. જેમાં તેઓ પાસેથી રૂા.૧,૭૧,૦૦૦ ની કિંમતની મેફેડ્રોન ડ્રગ્ઝની ૧૬ પડીકીઓમાં રાખેલું ૧૭.૧ ગ્રામ ડ્રગ્ઝ મળી આવ્યું હતું. પકડાયેલા શખ્સોએ પોતાના નામો હર્ષ જયેશભાઇ અરોરા (રે. ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસની બાજુમાં, જૂનાગઢ), વિરાજ મનોજભાઇ વાઘેલા (રે. દિપાંજલી-૨, પ્રમુખનગર, જૂનાગઢ) અને મંથન દિલીપકુમાર વ્યાસ (રે. રાજ ટેનામેન્ટ, બ્લોક નં. ૪૭, શેરી નં. ૩, એક્તા પાનવાળી ગલી, ઝાંઝરડા રોડ, જૂનાગઢ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે પકડાયેલા શખ્સોની પુછપરછ કરતાં મંથને ડ્રગ્ઝ નશો કરવા માટે ૨ કોથળી વિરાજ પાસેથી લીધી હતી. વિરાજે ૮ કોથળી હર્ષ પાસેથી લીધી હતી. અને હર્ષે એ ડ્રગ્ઝ અમદાવાદના દર્શન અશોકભાઇ પારેખ પાસેથી લીધું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરવા સાથે ગુનો નોંધ્યો છે. અને અમદાવાદથી દર્શન પારેખને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.