જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થશે

0

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગણપતિ ઉત્સવની ઉજવણીના આયોજનો : દુંદાળા દેવના આગમનને વધાવવા તડામાર તૈયારીને અંતિમ ઓપ

વિઘ્નહર્તા દેવ અને રિધ્ધીસિધ્ધાના દાતા એવા ભગવાન ગણેશજીના મહિમા વર્ણવતા ગણપતિ ઉત્સવની જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ભાવભેર ઉજવણી થશે. વાજતેગાજતે ભગવાન ગણેશજીના સ્થાપન સાથે ઉજવણીનો પ્રારંભ થશે અને એકલા જૂનાગઢ જ નહી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ગણેશ ઉત્સવને ધામધુમથી ઉજવવા ભારે ઉત્સાહ પ્રર્વિતી રહ્યો છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં પંડાલો ઉભા કરી અને આવતીકાલે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. તેમજ લોકો પોતાના ઘરે પણ ગણપતિજીનું સ્થાપન કરી પૂજનક, અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો યોજશે. દસ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવણીનો કાર્યક્રમ યોજાશે અને દુંદાળા દેવને રીઝવવા માટે ભાવિકો કાલાવાલ કરશે. દેવાનો દેવ એવા ભગવાન શિવજીના મહિમા વર્ણવતા શ્રાવણ માસની પુર્ણાહુતી અને હવે ભાદરવા માસના પ્રારંભ સાથે આવતીકાલે ગણેશ ચર્તુથીના પાવન પ્રસંગે ગણપતિ ઉત્સવનો પ્રારંભ થશે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ભગવાન ગણેશજીની આકર્ષક મૂર્તિઓને ખરીદવા અને ભગવાન ગણેશજીનું રૂડી રીતે સ્થાપન કરી અને ગણપતિ ઉત્સવ ઉજવવા માટે લોકો ગણેશજીની મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. રૂા.૧પ૦ થી રૂા.પ૦૦૦ સુધીની કિંમતની મૂર્તિઓનું વેંચાણ થઈ રહ્યું છે. દરમ્યાન ભગવાન ગણેશજીના આગમનને વધાવવા જાણે મેઘરાજા આતુર હોય તેમ ગઈકાલથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં વરસાદનું આગમન થયું છે. જૂનાગઢ શહેર અને જીલ્લા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલો છે.

error: Content is protected !!