ગુરૂવારે અંતિમ દિને મધ્યરાત્રી સુધી લોકોએ મેળાની મોજ માણી
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં સોમવારથી શરૂ થયેલો ચાર દિવસનો લોકમેળો ગઈકાલે ગુરૂવારે મધ્યરાત્રીના પૂર્ણ થયો હતો. ચાર દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં મેળા શોખીનોએ મોજ માણી હતી. ત્યારે એકંદરે શાંતિપૂર્ણ રીતે આ લોકમેળો સંપન્ન થતા ગ્રામ પંચાયત સાથે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ગઈકાલે ગુરૂવારે છેલ્લા દિવસે વરસાદનું વિઘ્ન ન નડતા સવારે તેમજ રાત્રે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ઉમટી પડ્યા હતા. ખંભાળિયા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો એ મેળાને મન ભરીને માણ્યો હતો. ગઈકાલે ઢળતી સાંજથી રાત્રી સુધી આ લોકમેળામાં હૈયે હૈયું દળાય તેટલી જનમેદની જાેવા મળી હતી. સાથે સાથે રાઇડ્ઝ વિગેરેમાં ભાવ બાંધણું રહેતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. આ આયોજનમાં સાથ સહકાર આપનાર તમામ સરકારી વિભાગો, કાર્યકરો, ગ્રામપંચાયતના સદસ્યો, સ્ટાફ તથા પત્રકારોનો ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા તલાટીએ આભાર વ્યક્ત કર્યો હતો.