ભવનાથમાં શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે સંત સંમેલન

0

સનાતન ધર્મ ઉપર થતા પ્રહારો સામે લડતના મંડાણ : પૂ. શેરનાથબાપુના સાનિધ્યમાં યોજાયેલી સંતોની સભામાં ઠરાવો કરાયા

જૂનાગઢ નજીક ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે પીર યોગી પૂજય શ્રી શેરનાથબાપુના સાનિધ્યમાં ગુજરાતભરના સંતો-મહંતો, મંડલેશ્વર, મહામંડલેશ્વર, આચાર્યો અને વિવિધ સંપ્રદાયના સંતોનું એક વિરાટ સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનનો મુખ્ય હેતુ એ રહેલ છે કે, સનાતન ધર્મ ઉપર થતા પ્રહારો સામે સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરી અને તેની સામેનું અભિયાન હાથ ધરવું. જેના ભાગ રૂપે આજે ગુજરાતભરના સંતોનું આ સંમેલન યોજવામાં આવ્યું છે અને સંતોની આ સભામાં વિવિધ સમિતિઓની રચના સાથે ઠરાવો પ્રસાર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી સનાતન ધર્મ પરંપરા ઉપર કાદવ ઉછાડવાનું કામ કરવામાં આવી રહયું છે અને જેને લઈને જૂનાગઢ સહિત ગુજરાતભરના સંતોમાં રોષની લાગણી ફેલાયેલી છે. દરમ્યાન આજે જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલા ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે પીર યોગી પૂ.શેરનાથ બાપુના સાંનિધ્યમાં ગુજરાતભરના સંતો, મહંતો અને આચાર્યોનું એક મહાસંમેલન યોજવામાં આવી રહેલ છે. આ સંમેલનનો મુખ્ય હેતુ એ છે કે, સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના પ્રમુખ સંતોનો સમાવેશ કરવામાં આવી રહેલ છે. ઉપરાંત સત્ય સંશોધન સમિતિની રચના પણ કરવામાં આવી છે. જેમાં વિદ્વાન સંતો અને સંસ્કૃતના વિદ્વાન પંડિતોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત મિડીયા પ્રવકતા સમિતિની રચના વિશેષ રૂપે કરવામાં આવશે જેમાં સનાતન ધર્મને લઈને જયારે પણ કોઈ વાદ વિવાદ ઉભો થાય ત્યારે મિડીયામાં આ કમીટી સત્ય માહિતી આપશે અને મિડીયાની ડીબેટમાં સહયોગ આપશે. આ ઉપરાંત કાયદાકીય સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવશે. જેમાં કાયદાના જાણકાર અભ્યાસુ તેમજ શિક્ષણવિદનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિઓની રચના બાદ જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પણ સનાતન ધર્મ સંરક્ષણ સમિતિની રચના કરવામાં આવશે.

error: Content is protected !!