રૂા.૭૪ કરોડના ખર્ચે નવીનિકરણ પામેલા ‘ઉપરકોટ’ પ્રવાસી જનતા માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
જૂનાગઢની શાન અને ઐતિહાસીક નજરાણું એવા સુપ્રસિધ્ધ ઉપરકોટનું લોકાર્પણ આગામી તા.ર૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે અને જે અંગેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જાેકે, સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર છે.
ઐતિહાસિક નગરી એવી જૂનાગઢમાં રાજારજવાડા અને નવાબી શાસન કાળના દિવસોને યાદગાર બનાવી આપે તેવા અનેક ઐતિહાસીક ઈમારતો આ શહેરમાં રહેલી છે. પરંતુ જાણવળીના અભાવે આવી ઈમારતો જીણશીણ થઈ ગઈ છે. બીજી તરફ સૈકાઓથી ઉભેલો ઉપરકોટનો સુપ્રસિધ્ધ કિલ્લો આ શહેરને અનેરી દાસતાન પુરી પાડી રહ્યો છે. આવા ઉપરકોટના આ સુપ્રસિધ્ધ કિલ્લાના રિનોવેશનની કામગીરી છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યું છે. સવાણી હેરીટેજ કન્ઝરવેશન પ્રાઈવેટ લીમીટેડની આ જાણીતી કંપની દ્વારા તેના રિસ્ટોરેશનની કામગીરી પુરજાેશથી હાથ ધરવામાં આવી હતી અને ઉપરકોટનો આ કિલ્લો ભારે જહેમત બાદ નવીનિકરણ પામ્યો છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બે તબક્કામાં અપાયેલી ગ્રાન્ટને લઈને અંદાજીત રૂા.પ૪ કરોડના ખર્ચે રિનોવેશન(રિસ્ટોરેશન)ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિનોવેશનની કામગીરીમાં નોંધનીય બાબત એ હતી કે જે સ્થિતિમાં ઉપરકોટનું નિર્માણ થયું હતું તેવી સ્થિતિ યથાવત જાળવી રાખવાના ભાગરૂપે જરૂરી મટીરીયલ્સ વાપરવામાં આવેલ છે. ૧૦૦ કરતા પણ વધારે કારીગરો દ્વારા આ રિસ્ટોરેશનની કામગીરી ભારે જહેમત બાદ પુર્ણ કરી છે અને હવે તેની ઉદ્દઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. નવીનિકરણ પામેલા આ ઉપરકોટમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહી આવનારા પ્રવાસી જનતાને અનેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અઢી કિલોમીટરનો વોક-વે બનાવવામાં આવેલ છે અને સાઈકલ ચલાવવા માટે ત્રણ મિનીટનો માર્ગ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત લેન્ડસ્કેપીંગ, ચિલ્ડ્રન પાર્ક, અધ્યતન લાઈટ સુવિધા તેમજ ઉપરકોટના ઈતિહાસને સાંકળતી લાઈટ એન્ડ સાઉન્ડ શો અંદાજીત ૩૦ મિનીટ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત અહીં આવનારા પ્રવાસીઓને ઉપરકોટ સુધી પહોંચવું હોય તો સાંકડા રસ્તામાં પાર્કિંગ તેમજ પ્રવેશની મુશ્કેલી ઉભી થતી હતી. ભારે વાહનોને કયાં પાર્ક કરવા તે મોટો પ્રશ્ન હતો. દરમ્યાન સવાણી હેરીટેજ કન્ઝેવેશન પ્રાઈવેટ લીમીટેડના નિષ્ણાંત એન્જીનિયરોએ પાર્કિંગની અને ટ્રાફીકની સમસ્યાનો નિવેડો લાવવા માટે એક અદભુત સ્કીમ સરકારમાં મુકી હતી અને સરકામાં તેને મંજુર કરી દેવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત અડીકડી વાવના પાછળના રસ્તા ભરડાવાવથી ભવનાથ જતા માર્ગ ઉપર એક લીફટની સુવિધા મુકવામાં આવશે. એટલું જ નહી પાર્કિંગ માટે પણ ખુબ જ સારી વ્યવસ્થા કરવામાં આવશે અને અંદાજીત રૂા.પ કરોડના ખર્ચે આ યોજના હાથ ધરવામાં આવશે તેવા નિર્દેષો મળી રહ્યા છે. વિશેષમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા.ર૮ સપ્ટેમ્બરના રોજ નવીનિકરણ પામેલા ઉપરકોટનું લોકાર્પણ કરવાનું હોય તેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તેમજ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉપરકોટને ખુલ્લો મુકયા બાદ પ્રવાસી જનતા તેમજ જૂનાગઢ શહેરની જનતા માટે ટિકીટના દરનું પેકેજ પણ જારી કરવામાં આવનાર છે અને સંભવત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયા બાદ ટિકીટના દર અંગેની જાહેરાત પણ કરવામાં આવે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઐતિહાસીક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હિન્દી ફિલ્મી ઉદ્યોગના મહાનાયક અમિતાબ બચ્ચનને લઈને એક ગુજરાતી ફિલ્માંકન કરવામાં આવેલ હતું અને કુછ દિન ગુજારો ગુજરાતમેની એડ ફિલ્મ બનાવવામાં આવી હતી. અમિતાબ બચ્ચનના ઘેરા અવાજમાં કુછ દિન ગુજારો ગુજરાતમેની આ એડ ફિલ્મ પ્રસારીત કર્યા બાદ પ્રવાસન સ્થળોએ પ્રવાસી જનતાની મુલાકાતમાં વધારો પણ થયો છે અને હવે કુછ સમય ગુજારો ઉપરકોટના કિલ્લામાં તે ઘડી આવી પહોંચી છે અને જેને લઈને જૂનાગઢવાસીઓમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ર૦ર૩ના વર્ષમાં જૂનાગઢને એક નવીનિકરણ પામેલા ઉપરકોટની ભેટ અમૂલ્ય નજરાણારૂપે મળી રહી છે.