એસટીની મુસાફરી માટે બોગસ પાસ કૌભાંડ : ચેકિંગમાં ૨ શખ્સોની ધરપકડ

0

જૂનાગઢ એસટી ડેપો ખાતે સતાપર રૂટની બસનું ચેકિંગ કરવામાં આવતા એસટીની મુસાફરી માટે બોગસ પાસ કૌભાંડ બહાર આવતા અધિકારીઓ ચોંકી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે માણાવદર પંથકના ૨ ઇસમની અટક કરી આ ઇસમોને ખોટા પાસ બનાવી આપનાર તેના મિત્રની શોધખોળ હાથ ધરી છે. એસટીના ઇન્ચાર્જ ટ્રાફિક ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ ભોવાનસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર હેતલભાઈ મથુરભાઈ રૂધાણીએ ગુરૂવારે સવારે જૂનાગઢ એસટી ડેપો ખાતે સતાપર-જૂનાગઢ લોકલ રૂટની જીજે-૧૮-ઝેડ-૪૯૭૪ નંબરની એસટી બસના ૭૫ જેટલા મુસાફરોની ટિકિટનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન માણાવદર તાલુકાના દેશીંગા ગામના ગોપાલ મસરીભાઈ કંડોરીયા અને અભય જગદીશભાઈ કંડોરીયાએ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ વાળા પાસ બતાવ્યા હતા. પરંતુ પાસમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાતા બંનેના પાસની ખરાઈ કરાવવામાં આવતા બંનેના પાસમાં દર્શાવવામાં આવેલ ઇશ્યુ તારીખે આવા કોઈ પાસ ઇશ્યુ થયા ન હોવાનું જણાતા બંને પાસેથી ચાર બનાવટી પાસ કબજે કરવામાં આવ્યા હતા. અને ૬૮ દિવસ રૂપિયા ૫૮૯૬ની મુસાફરી ખોટા પાસના આધારે કરી હોવાની ફરિયાદ ટ્રાફિક ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ જાડેજાએ કરતા ડિવિઝન પોલીસે બંનેની અટકાયત કરી હતી. પુછપરછમાં આ ઇસમોને તેનો માણાવદર તાલુકાના સણોસરા ગામે રહેતો મિત્ર રૂપેન હરીશ રાઠોડે બનાવી આપ્યા હોવાનું જણાવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!