કેશોદ નજીક આવેલાં ગાદોઈ ટોલ પ્લાઝા પર થોડાં દિવસો પહેલાં ટોલ ટેક્સમાં વધારો થતાં કેશોદની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતાં પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ નાનજીભાઈ ગોંડલીયાએ લેખિતમાં રજૂઆત કરી અસહ્ય વધારો પરત ખેંચવા માંગ કરી છે. કેશોદ નજીક આવેલાં ગાદોઈ ટોલ પ્લાઝા પર વીસ કિલોમીટર ત્રિજ્યામાં આવતાં વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવે એવી માંગ પાંચેક વર્ષ પહેલાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ કરી આંદોલન શરૂ કરવા ચિમકી આપી હતી ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સુત્રોચ્ચાર, ચક્કાજામનાં કાર્યક્રમ બાદ સતાધારી પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી બાદ એક માસમાં ટોલ ફ્રી કરાવી આપવાની ખાત્રી આપી હતી જે પોકળ પુરવાર થઈ હતી ત્યારે ફરીથી વધારો લાગુ કરવામાં આવતાં વિરોધ ઉઠી રહ્યો છે. પોરબંદર લોકસભા મતવિસ્તારના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ગોંડલ અને જેતપુર ટોલ પ્લાઝા પર વીસ કિલોમીટર ત્રિજ્યામાં આવતાં વાહનચાલકોને ટોલ ફ્રી કરવામાં આવે છે ત્યારે કેશોદ નજીક ગાદોઈ ટોલ પ્લાઝા પર શા માટે ટોલ ફ્રી કરવામાં આવતો નથી એ બાબતે પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની નબળી ઈચ્છાશક્તિ હશે કે ક્યાંક ને ક્યાંક શેહશરમ નડતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બસો દિવસ બાદ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ફરીથી ટોલ ટેક્સનો વિવાદ ઊભો થયો છે ત્યારે વાહનચાલકોને રાહત મળશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.