કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લાં પચ્ચીસ વર્ષ કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારના મૃતાત્માઓનાં અસ્થિઓનું હરદ્વારમાં શાસ્ત્રોક્ત વિધિ થી વર્ષમાં બે વખત વિસર્જન કરવામાં આવે છે. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ખાતે કેશોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાર સ્થળોએ એકઠા થયેલા અસ્થિઓનું મૃતાત્માઓનાં પરિવારજનો દ્વારા અંતિમ વિદાય ભાવાંજલિ આપવા નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં ટ્રસ્ટના સભ્યો સ્વખર્ચે અસ્થિઓનો કુંભને હરદ્વારમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પીડદાન કરી અને પવિત્ર ગંગા નદીમાં મૃતાત્માઓનાં મોક્ષાર્થે પ્રાર્થના કરી વિસર્જન કરવામાં આવે છે. છેલ્લાં પાંચ માસમાં એકઠાં થયેલાં ૨૬૫ અસ્થિઓ હરિદ્વાર ખાતે લઈ જતાં પહેલાં અંતિમ દર્શન અને ભાવાંજલિ કાર્યક્રમ સાંજે ચાર વાગ્યે નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ખાતે રાખવામાં આવેલ હતો સદગતના પરિવારના નાની ઉંમરમાં પોતાના દાદાની છત્રછાયા ગુમાવનાર બાળકના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેશોદના હિન્દુ સ્મશાન ખાતે છેલ્લા પાંચ માસમાં અવસાન પામેલાં ૨૬૫ સદગતના અસ્થિઓનું પરિવારના ભાઈઓ બહેનોએ પુષ્પાંજલિ અર્પણ કરી અબીલ ગુલાલ કંકુ થી પુજન કરી ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી. જેમાં દરેક મૃતાત્માઓનાં સ્વજનો અને નગરજનો હાજર રહી અંતિમ વિદાય ભાવાંજલિ અર્પણ કરી હતી. માનવ સેવા સમાજ ટ્રસ્ટના કાન્તિભાઈ ડાભી અને શશીભાઈ જેસુર દ્વારા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. કેશોદના બ્રહ્મચારી બાપુનાં આર્શીવાદથી શરૂ કરવામાં આવેલ શ્રીકૃષ્ણ ધુન મંડળના સેવકો ઉપરાંત ભાવિકો દ્વારા રામધૂન બોલાવી હતી. કેશોદના હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓને અંતિમ વિદાય સાથે પુષ્પાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમમાં સદગતના પરિવારજનો ભાવવિભોર બની ગયા હતા. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટના કાન્તિભાઈ ડાભી શશીભાઈ જેસુર રાજુભાઈ બોદર વિપુલભાઈ ઠુબર કાન્તિભાઈ પંડ્યા સહિતના કાર્યકરો એ જહેમત
ઉઠાવી હતી.