માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

0

પ્રધાનમંત્રીના આંતર માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા આ પ્રસંગે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એકાત્મવાદના પ્રણેતા દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે શબ્દાંજલિ અર્પિત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયાની આંતરમાળખાકીય જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક જેવી સુવિધાઓ રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું હતું. દેશમા ૯ વર્ષમાં ૩ લાખ ૨૮ હજાર કી. મી.ના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના ૩૭ કી. મી. હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે આ વર્ષના બજેટમાં રૂ. ૨૦,૬૦૦ કરોડ જેટલી રકમ અને હાઇવેને ફોરલેન બનાવવા માટે ૨૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ૨૨૦૦ કરોડના ખર્ચે ત્રણ હાઇવેને સિકસલેન કરવાની કામગીરી પ્રગતિમાં છે. હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે. પ્રધાનમંત્રીના આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ છે. કલેક્ટર પ્રભવ જાેશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરંપરાગત રીતે ફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારંભ થયેલા બ્રિજ પર સફર કરી હતી.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, અગ્રણીઓ મુકેશભાઈ દોશી, અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવ, કમલેશ મિરાણી, પોલિસ કમિશનર રાજુ ભાર્ગવ, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી સંદીપ વર્મા તેમજ વિવેક ટાંક, ડી.સી.પી ભાર્ગવ પંડ્યા તેમજ પૂજા યાદવ, નાયબ કાર્યપાલક ઇજનેર કે.એન.ઝાલા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!