જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં મુખ્યમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન

0

રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આયોજિત જી-૨૦માં પધારેલા વિકસિત દેશોના વડાઓને આપણે સહકાર દ્વારા દેશના વિકાસની ભાવનાથી પ્રભાવિત કર્યા છે. એક સમયે આઝાદીના આંદોલનમાં ગુજરાત અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે વડાપ્રધાન મોદી અને દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને રૂ. ૧૪,૭૮૦ કરોડનું પાક ધીરાણ અને રૂ. ૬૮૦ કરોડનું મધ્યમ અને લાંબી મુદતનું ધીરાણ મળ્યું છે. ગુજરાતના સમૃદ્ધ સહકારી માળખાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ ૨૦૩ લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને ૩૬ લાખ પશુપાલકોને રૂપિયા ૧૪૦ કરોડની ચુકવણી થાય છે. રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના ૩૬ લાખ સભાસદોમાં ૧૨ લાખ સભાસદો મહિલા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં ૮૩ હજારથી વધુ સહકારી મંડળીઓમાં બે કરોડ ૩૧ લાખ સભાસદો જાેડાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેઓનું મોટું યોગદાન છે. સહકારી સોસાયટીઓને દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય કે દેશમાં સ્થાનિક સ્તરે સહકારી મંડળી-બેન્કની ભૂમિકા ખૂબ મોટી છે. નાના માણસોની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. આજે રાજ્યમાં સેવા સહકારી મંડળી, ક્રેડિટ મંડળી, મત્સ્ય મંડળી, સખી મંડળ વગેરે દ્વારા અનેક ખેડૂતો, શ્રમિકો સહિતના લોકો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે.

error: Content is protected !!