ભાણવડમાં વિવિધ શાળાના ત્રણ માળના બિલ્ડીંગનું નિર્માણ થશેઃ કેબિનેટ મંત્રી દ્વારા ખાત મુહૂર્ત કરાયું

0

ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ભાણવડમાં દરબારગઢ ખાતે ખાત મુહૂર્ત કરવામાં આવેલી તાલુકા શાળા -૩ કન્યા શાળા અને સરકારી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અંદાજીત ૨.૬૮ કરોડના ખર્ચે ત્રણ માળનું નવું બિલ્ડીંગ નિર્માણ પામશે. જેમાં ૧૬ નવા રૂમ બનાવવામાં આવશે. જેનું ગઈકાલે શુક્રવારે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ શાળામાં સ્માર્ટ બોર્ડ તેમજ કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, શાળા ખાતે નવા રૂમ બનશે જેનાથી બાળકોને સારી સુવિધા મળશે. સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આ શાળાને ૧૧ સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યા છે. અને કોમ્પ્યુટર લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ શાળામાં ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અગાઉ બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવા માટે બાળકોને બહાર ગામ મોકલવા પડતા હતા. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી અહીં અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી બાળકોને અંગ્રેજી માધ્યમના અભ્યાસ માટે બહાર મોકલવા નહિ પડે. શાળાના સરસ સંચાલન માટે આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવી, બાળકોને ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડુમરાણીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મામલતદાર જલ્પેશ બાબરીયા, તાલુકા વિકાસ અધિકારી ચુડાસમા, ટી.પી.ઓ. નંદાણીયા, વિગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!