૭ ઓકટોબર વિશ્વ કપાસ દિવસ : ગુજરાત ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય

0

કપાસના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે અને કપાસ એ દેશના સૌથી મહત્વપૂર્ણ પાકોમાંનો એક છે. ભારત હજારો વર્ષોથી કપાસનું ઉત્પાદન કરી રહ્યું છે. દેશના લાખો ખેડૂતો કપાસના પાકના વાવેતર થકી આજીવિકા મેળવે છે. અને લાખો લોકો કપાસ ઉદ્યોગમાં કામ કરે છે. કપાસ એ ગુજરાત રાજયનો મુખ્ય રોકડિયો પાક છે. કપાસ ક્ષેત્રે ગુજરાત દેશમાં આગવું સ્થાન ધરાવે છે, એટલું જ નહિ પરંતુ કપાસમાં શંકર જાત શોધવામાં આપણું રાજ્ય વિશ્વ સ્તરે પ્રથમ રહ્યું છે. ભારતમાં ગુજરાત રાજ્ય દેશનું સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે. ગુજરાતમાં આ વર્ષે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. અંદાજે આ વર્ષે અત્યાર સુધીમાં ૨૬લાખથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જે છેલ્લા ૮વર્ષમાં સૌથી વધુ છે. ગુજરાતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સરેરાશ અંદાજે ૩,૪૯,૦૦૦ હેક્ટર વિસ્તારમાં કુલ વાવેતર કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધી અંદાજે ૧,૭૮,૧૫૪ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં ૧૮,૯૭૧ હેક્ટરનો વધારો નોંધાયો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. સરકારની સૌની યોજના હેઠળ ખડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવતા કપાસના પાકનું વાવેતર કરતાં ખેડૂતોને ટેકો મળ્યો ઃ કાંતિભાઈ (બજરંગપુર ગામના ખેડૂત) જામનગર તાલુકાના બજરંગપૂર ગામે રહેતા ખેડૂત કાંતિભાઈ જણાવે છે કે, સૌરાષ્ટ્રમાં કપાસનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. કાળી અને પાણીવાળી જમીનમાં કપાસનું સારૂ ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે વરસાદની અછત દરમ્યાન સરકારે સૌની યોજના હેઠળ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે. તેના પરિણામે કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને અને નાના ખેડૂતોને ટેકો મળ્યો છે. તેઓ વધુમાં જણાવે છે કે મે ૨૦ વીઘા જેટલી જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું છે. સરેરાશ એક વીઘા દીઠ રૂા.૫૦,૦૦૦ની આવક મળતા અમારા પરિવારનું સારી રીતે ગુજરાન ચાલે છે. ગત વર્ષે કપાસના ઉચ્ચ ભાવો રહ્યા હતા. સારા ભાવો મળી રહેતા ખેડૂતોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે.

error: Content is protected !!