ગુજરાત સરકાર દ્વારા ચાલતી ‘કરૂણા એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨’ એ પોતાના ૬ વર્ષ પૂર્ણ કર્યાં છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩૭ જેટલી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ હેલ્પલાઇનમાં રખડતા પશુ-પક્ષીઓ કે જેના કોઈ માલિક નથી, રોડ એક્સિડન્ટમાં કે કોઈ પ્રકારે ઈજા પામેલ હોય અથવા અન્ય કોઈ રીતે ઘાયલ થયેલ હોય તેવા અબોલ પશુ પક્ષીઓને સ્થળ ઉપર જ ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવે છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આશરે ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવ્યા છે. અમદાવાદ જિલ્લામાં આશરે ૬૨,૦૬૪ જેટલા જીવો આ સેવા દ્વારા બચાવાયા છે. દિવસેને દિવસે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન વિશે લોકો માહિતગાર થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો થઈ શકે છે તેવું ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની અખબારી યાદીમાં જણાવાયું છે.