દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકા દર્શન પ્રવાસી બસ છેલ્લા ચાર માસથી બંધ ?

0

દ્વારકા નગરપાલિકા સંચાલિત દ્વારકા દર્શન પ્રવાસી બસ સેવા છેલ્લા ચાર માસથી બંધ છે, જેના કારણે બહારથી પધારતા યાત્રિકો પાલિકા સંચાલિત પ્રવાસી બસ સેવાના લાભથી વંચિત રહે છે. અગાઉ દ્વારકા નગરપાલિકા દ્વારા બે બસ ટુરીસ્ટ ગાઈડ સાથે પ્રવાસીઓને દ્વારકા નજીક આવેલા ધાર્મિક સાઈટસીન બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂકમિણી મંદિર તથા ગોપીતળાવ સહિતના ધાર્મિક સ્થળોના રૂટ ઉપર સવાર અને બપોર એમ પાળીમાં ચાલતી હતી. પરંતુ છેલ્લા ચાર માસથી આ પ્રવાસી બસની સેવા પાલિકા દ્વારા બંધ કરાતા બહારથી પધારતા યાત્રિકો ખુબજ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે પાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ બંને પ્રવાસી બસ ડ્રાઈવર ન હોવાના કારણે બંધ પડેલ છે તેવું જણાવેલ. પાલિકાના સૂત્રોમાંથી આવા વાહીયાત અને પાયાવિહોણા જવાબો મળતા લોકોમાં તરેહતરેહની ચર્ચાઓ જાગી છે. શું દ્વારકામાં બસ ચલાવતા ડ્રાઈવરોની તંગી છે ? કે પછી હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા એમ પ્રશ્ન કાંઈક જુદો છે અને જવાબ કાંઈક જુદો છે એવું ફલિત થાય છે. પ્રવાસી બસ બંધ હોવાના કારણે શહેરના ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને ખુબ મોટો ફાયદો થાય છે. એક તરફ યાત્રાધામોના વિકાસ અંગે ગુજરાત ટુરીઝમ વિભાગ સતત એકટીવ છે ત્યારે દ્વારકા ક્ષેત્રમાં ઉલટી ગંગા વહે છે તેવો તાલ સર્જાયો છે.

error: Content is protected !!