ખંભાળિયા વિસ્તારના લોકોએ નવરાત્રી પર્વને આપી ભવ્ય વિદાય

0

ખંભાળિયામાં તાજેતરમાં નવરાત્રી પર્વના જુદા-જુદા વિસ્તારોમાં પરંપરાગત તેમજ ભવ્ય આયોજનો કરવામાં આવ્યા હતા. પ્રાચીન ગરબી સાથે અર્વાચીન રાસ ગરબામાં પણ ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા. ત્યારે રવિવારે અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રંગતરંગ ગ્રુપ દ્વારા આયોજિત એક દિવસીય નવરાત્રી મહોત્સવમાં સૌથી વધુ સંખ્યામાં લોકો સહભાગી થયા હતા.
ખંભાળિયાના યુવા અગ્રણી વિમલ ચાવડા તથા તેમની ટીમ દ્વારા ખંભાળિયા વિસ્તારના ખેલૈયાઓ માટે ખાસ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં રાજ્યના પ્રથમ હરોળના કલાકાર જીગ્નેશ બારોટ (કવિરાજ) તથા તેમની ટીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં એક દિવસીય રાસ ગરબાના સુંદર અને સુચારું આયોજનમાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટિંગ ડેકોરેશનના સથવારે જીગ્નેશ બારોટ, જાણીતા આર.જે. ધારા, એન્કર પ્રણવ દીક્ષિત, લેડી સિંગર જાહલબેન આહીર વિગેરેએ ખેલૈયાઓને મોડી રાત્રી સુધી ડોલાવ્યા હતા.
દર્શકો માટે વિનામૂલ્યે નિહાળવાના આ આયોજનમાં હજારોની સંખ્યામાં દર્શકો સાથે મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા રમવાની મોજ માણી હતી. જેમાં બેસ્ટ ખેલૈયાઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા.
આ આયોજન દરમ્યાન જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તથા પોલીસ સ્ટાફના જવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર અને સફળ આયોજન બદલ મુખ્ય આયોજક વિમલ ચાવડા તથા તેમની ટીમ દ્વારા તમામ દર્શકો, ખેલૈયાઓ તેમજ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!