દત્ત શિખર ઉપર હુમલા મામલે બે મહિલા સહિત સાત સામે ગુનો દાખલ

0

ગિરનાર ઉપર દત્ત શિખર ઉપર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ અને ચરણપાદુકાને ખંડીત કરવાના પ્રયાસના બનાવના ઘેરાપ્રત્યાઘાતો પડયા હતા અને સંતો તેમજ દત્ત ભગવાનના સેવકગણ સહિત સનાતનીઓ દ્વારા આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો હતો. એટલું જ નહી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને એફઆઈઆર દાખલ કરવા પણ માંગણી કરાઈ હતી. દરમ્યાન ગઈકાલે મોડી સાંજે પોલીસે મહારાષ્ટ્રના બે મહિલા સહિત સાત વ્યકિત સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ગુરૂ દત્તાત્રેય, ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કૈલાશભાઈ પુરોહિતે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગત તા.૧ ઓકટોબરના રોજ લેખિતમાં અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગુરૂ દત્તાત્રેય શિખર ઉપરથી પૂજારી દિપક બાપુ(રહે.કમંડળ કુંડ ગિરનાર પર્વત)નો ફોન આવ્યો હતો તેમણે જણાવ્યું કે, ગિરનાર પર્વત ઉપર આવેલ ગુરૂદત્તાત્રેય શિખર ઉપર આશરે ર૦૦ થી રપ૦ જેટલા દિગંબર જૈન લોકોનો સંઘ આવેલો હતો. આ સંઘ દ્વારા ગુરૂદત્તાત્રેય શિખર ઉપર નામદાર કોર્ટનો મનાય હુકમ હોવા છતાં ઉશ્કેરણી જનક સુત્રોચાર કરતા હોય તેમજ પૂજારી દિપકબાપુ સાથે દુર વ્યવહાર કરવામાં આવેલ તથા ભગવાન દત્તાત્રેયની મૂર્તિ ઉપર વસ્તુઓના ઘા કરી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા પાસે રહેલ ખુરશીનો ઘા કરી ચરણ પાદુકાને નુકસાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ ગુરૂદત્તાત્રેય શિખર ઉપર ફરજમાં રહેલ એસઆરપી જવાનની ફરજમાં રૂકાવટ કરવાની કોશિષ કરવામાં આવી તેમજ હિન્દી ભાષામાં જાેરથી સુત્રોચા કર્યો ગિરનાર હમારા હૈ હમ હી રહેગે. ત્યારે ગિરનાર ઉપર દત્ત શિખર ઉપર મહારાષ્ટ્રથી આવેલા દિગંબર જૈન સંઘના લોકો દ્વારા ભગવાન દત્તાત્રેયની મૂર્તિ અને ચરણપાદુકાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં ના આવતા આ મુદ્દે આજે શરદપુનમની સાંજે ભવનાથ તળેટીમાં વિરાટ સનાતન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે દરમ્યાન સંમેલન મળે તેના કલાકો પુર્વે ગઈકાલે મોડી સાંજે ભવનાથ પોલીસ સ્ટેશનમાં દત્ત શિખર ઉપર હુમલો મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ કહ્યું કે, ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટના કૈલાશભાઈ પુરોહિતની ફરિયાદ અને વિડીયોના આધારે મહારાષ્ટ્રના સુધીર સોહનલાલ બજ સહિત સાત વ્યકિત સામે આઈપીસી કલમ ર૯પ, ર૯પ(ક), ર૯૮, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલું છે. આરોપીમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.

error: Content is protected !!