ખંભાળિયામાં કેનેડા સ્થિત વતન પ્રેમીઓની સેવા પ્રવૃત્તિઃ જરૂરીયાતમંદ પરિવારોને કિંમતી ચીજવસ્તુઓ સાથેની કીટ અપાઈ

0

કેનેડા ખાતે રહેતા અને ખંભાળિયા પંથક સાથે વતન પ્રેમનો નાતો ધરાવતા દાતા સદગૃહસ્થોના આર્થિક સહયોગથી ખંભાળિયામાં રહેતા અનેક પરિવારોને જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કિંમતી કીટ અર્પણ કરવામાં આવી હતી.
ખંભાળિયામાં હાલ તહેવારોના દિવસોને અનુલક્ષીને કેનેડા ખાતે રહેતા દાતા પરિવારજનોના આર્થિક સહયોગથી અહીંના સેવાભાવી કાર્યકરોની ટીમ દ્વારા રાશનને લગતી ઘી, તેલ, અનાજ, મસાલા, ચાની ભૂકી વિગેરે સાથેની કિંમતી ચીજ વસ્તુઓ સાથેની કીટ બનાવીને જરૂરતમંદ પરિવારોને અર્પણ કરવામાં આવી હતી. આશરે ૧૨૫ થી વધુ લોકોને આ કીટ સાથે એક બ્લેન્કેટ અર્પણ કરવાનો કાર્યક્રમ અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ સેવાભાવી અગ્રણી શૈલેષભાઈ મજીઠીયા, ડી.કે. પાબારી, મનુભાઈ કાનાણી, યોગેશભાઈ મોટાણી, જિલ્લાના અગ્રણી પત્રકાર કુંજનભાઈ રાડિયા વિગેરેની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કીટ મેળવીને લાભાર્થી પરિવારજનોએ રાહત સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત અહીંની લોહાણા કન્યા છાત્રાલયમાં રહી અને અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને એક ઉપયોગી શૈક્ષણિક કીટ તથા રોકડ રકમ પણ કેનેડાના સદગૃહસ્થોના આર્થિક સહયોગથી અર્પણ કરવામાં આવી હતી. ખંભાળિયા વિસ્તારમાં નિયમિત રીતે કેનેડાના વતન પ્રેમીઓ દ્વારા કરવામાં આવતી આ સેવા પ્રવૃત્તિ આવકારદાયક બની રહી છે.

error: Content is protected !!