ડ્રગ ઉપર જીતના સંદેશ સાથે મારૂ જૂનાગઢ, નશામુકત જૂનાગઢ અંતર્ગત આજે યોજાનાર રન ફોર જૂનાગઢ કાર્યક્રમ ઈતિહાસ સર્જશે

0

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રન ફોર જૂનાગઢનું પ્રસથાન થશે : ર૪ હજાર લોકો આ દોડના સહભાગી બનશે : જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા તૈયારીને ઓપ

જૂનાગઢ શહેરમાં આજે ડ્રગ્સ ઉપર જીતના સંદેશ મારૂ જૂનાગઢ નશામુકત જૂનાગઢની થીમ અંતર્ગત રન ફોર જૂનાગઢનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રન ફોર જૂનાગઢના કાર્યક્રમનું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે બપોરના ૪ઃ૩૦ કલાકે પ્રસ્થાન કરવામાં આવશે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રન ફોરજૂનાગઢનું કાઉન્ડાઉન શરૂ થઈ ગયું છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આજે જૂનાગઢ ખાતેથી ડ્રગ્સ ઉપર જીતના અભિયાન અંતર્ગત યોજાનાર રન ફોર જૂનાગઢનો કાર્યક્રમ નવો રેકોર્ડ સર્જશે અને જેની ગુંજ ગુજરાતમાં અને દેશભરમાં ગુંજી ઉઠશે તેમ મનાઈ છે.
રાજયના ગૃહ વિભાગ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહીની સાથે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભ હેતુ સાથે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને જેના ભાગરૂપે આજે જૂનાગઢમાં તા.૪ નવેમ્બર સાંજે પ કલાકથી ૧૦ કલાક સુધી જૂનાગઢ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા પ અને ૧૦ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવેલ છે. જેને લઈને ગઈકાલે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા ગઈકાલે કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાખંડમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ખાતે યોજાનાર રન ફોર જૂનાગઢના આ કાર્યક્રમમાં ર૪ હજાર જેટલા શહેરીજનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સાત વર્ષના બાળકથી લઈને તેમના માતા-પિતા અને સિનીયર સિટીઝનમાં ૮૭ વર્ષના વયોવૃધ્ધ સુધીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ તકે જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ ઉપર જીતના સંદેશ સાથે મારૂ જૂનાગઢ, નશામુકત જૂનાગઢની થીમ સાથે આજે શહેરમાં પ્રથમ વખત રન ફોર જૂનાગઢનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે પ કલાકે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફલેગ ઓફ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીના મેદાનથી દોડનો આરંભ કરવામાં આવશે. જેમાં પ અને ૧૦ કિલોમીટરની બે દોડનું આયોજન છે. પાંચ કિલોમીટરની દોડ કોમ્પિટિશન રન હશે. જેમાં ભાગ લેનાર સ્પર્ધકોને અલગ-અલગ કેટેગરીમાં ઉમર વાઈઝ રોકડ પુરસ્કાર, શિલ્ડ આપવામાં આવશે. સાથે રન ફોર જૂનાગઢના રૂટ ઉપર ઉત્સાહ વધારવા માટે વિવિધ સમાજ, સંપ્રદાય અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ર૭ સ્થળે સાંસ્કૃતિક સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ પોલીસ બેન્ડથી લઈને અનેક કાર્યક્રમો યોાજશે. જેમાં પણ શિસ્તબધ્ધ, સાંસ્કૃતિક, ડેકોરેશન, સ્વચ્છતા, પર્ફોમેન્સ અંગે ઈનામ આપવામાં આવશે. ૧૦ કિલોમીટરની દોડમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને ટીશર્ટ અને ટાઈમર ચીપ આપવામાં આવી હશે જેના આધારે વિજેતા જાહેર થશે. આ દોડમાં યુવાનોમાં નશાનું દુષણ દુર કરવા માટે અને દુષણથી બચાવવા માટેનું છે. પોલીસનું જન જાગૃતિનું અભિયાન ઘર-ઘર સુધી પહોચે તે હેતુથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. દોડના રૂટ ઉપર સ્પર્ધકોના આરોગ્યને લઈને એક-એક કિલોમીટરના અંતરે સરકારી અને ખાનગી તબીબોની ટીમ અને સુવિધા ઉભી કરવામાં આવી છે. ૧૦ કિલોમીટરની દોડ કૃષિ મેદાનથી શરૂ થશે ત્યાંથી મધુરમ ત્યાંથી પરત અક્ષર મંદિર, જીલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, મોતીબાગ સર્કલ, ભૂતનાથ ફાટકથી પરત કૃષિ યુનિવર્સિટી ખાતે પુર્ણ થશે.
ગૃહ રાજયમંત્રીના હસ્તે ૩ એપ્લીકેશન લોંચ કરાશે
જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા ત્રણ એપ્લીકેશન તૈયાર કરી છે. જેમાં ક્રિમિનલ ટ્રેકિંગ સિસ્ટમ ટેકનિકલ સાવજ એપ, બીજું સિનીયર સિટીઝન સલામતી માટેનું પોર્ટલ અને ત્રિજુ પોલીસકર્મીનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા પોલીસ વેલફેર પ્રોજેકટનું રાજયના ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
રન ફોર જૂનાગઢને લઈને ૩ મુખ્ય રસ્તાઓ બંધ રહેશે
આજે બપોરના ૪ કલાકથી રાતના ૧૦ કલાક સુધી વાહનો માટે ૩ માર્ગો ઉપર પ્રતિબંધ રહેશે. જેમાં સોમનાથ, પોરબંદર, કેશોદ તરફથી શહેરમાં પ્રવેશતા વાહનો માટે મધુરમ તરફનો રસ્તો બંધ રહેશે. જયારે અમરેલી, વિસાવદર તરફથી આવતા વાહનો માટે ભૂતનાથ ફાટકથી મોતીબાગ સુધી બંધ રહેશેે. જયારે સરદારબાગ તરફથી મોતી બાગ તરફ આવતા વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. ભારે વાહનો માટે શહેરના બહારના વિસ્તારથી અને નાના વાહનો માટે મધુરમ ચોકડીથી ઝાંઝરડા ચોકડી, બાયપાસ અને ચોબારી, ખામધ્રોળ રોડથી પસાર થવાનું રહેશે.
૧૦ કિમીની દોડમાં પ હજારથી રપ હજાર સુધીનું રોકડ પુરસ્કાર
૧૦ કિલોમીટરની દોડમાં ૧૪ થી ૧૮ વર્ષની વયમાં પ્રથમ આવનારને ૧પ હજાર, દ્વિતીય આવનારને ૧૦ હજાર અને ત્રીજા સાથે આવનારને પ હજાર રોકડ ઈનામ આપવામાં આવશે. જયારે ૧૮ થી ૩પ વર્ષની વયમાં પ્રથમને રપ હજાર, બીજા નંબરને ૧પ હજાર, ત્રીજા નંબરને ૧૦ હજાર રોકડ પુરસ્કાર અપાશે. તો ૩પ થી પપ વર્ષમાં અને સિનીયર સિટીઝનમાં અને પ્રથમને ૧પ હજાર, બીજાને ૧૦ હજાર અને ત્રીજા ક્રમને પ હજાર રોકડ પુરસ્કાર મળશે.

error: Content is protected !!