શહેરીજનોની રસ્તાઓ અંગેની લાગણી ન સંતોષાતા લોકોમાં તીવ્ર રોષ : આગામી ચૂંટણીમાં તેનો પડઘો પડશે
જૂનાગઢ શહેર જેમ પ્રવાસન સ્થળોને લઈને સુવિખ્યાત છે તેમ ખરાબ રસ્તાઓને લઈને આ શહેર કુખ્યાત બની ગયેલ છે. આ શહેરની મુલાકાતે આવનારા લોકો જૂનાગઢના રસ્તાઓને જાેઈને વ્યથિત થયા છે અને શહેરીજનો સાથે પ્રવાસી જનતાની પણ રસ્તાઓ અંગેની રજુઆતોને જાણે મનપાના તંત્ર વાહકોના બહેરા કાને અથડાતી નથી તેવું લાગે છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી સુધી જૂનાગઢના રસ્તાઓ અંગેના અહેવાલો સુપ્રત થયા છે. અનેક રજુઆતો કરવામાં આવી છે અને લોકોની ફરિયાદોને ધ્યાને લઈ જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રીશ્રીએ મનપાના શાસકોને દિવાળી સુધીમાં રસ્તા બની જાય તેવી જનતાની ફરિયાદનો પડઘો પાડી અને ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ જયારે રસ્તાઓ અંગે સુચનો કર્યા છે ત્યારે આ શહેરના રસ્તાઓ સારા બની જશે તેવી લોકોને અપેક્ષા હતી પરંતુ દિવાળીનું આ પર્વ નજીક આવી રહ્યું છે તેમ છતાં જૂનાગઢ શહેરના રસ્તાઓને સારા બનાવવા માટેનું કોઈ અભિયાન હાથ ધરાયું નથી. ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની પણ વાત હતી પરંતુ મનપા તંત્રએ આવા ગેરકાયદેસર મહાકાય દબાણો તો દુર કરી શકયું નથી પરંતુ નાનાપાયે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લારી અને કેબિન ધારકોના ધંધા ઉપર પાટુ માર્યું છે. શહેરના મુખ્ય માર્ગો ઉપરથી દબાણ હટાવાના બહાને ખાણીપીણીની લારીઓ-કેબિનો દુર હટાવી દીધી છે અને જેને લઈને લારી-કેબિન ધારકોમાં રોષની લાગણી પ્રગટી છે. મનપાના દરવાજે દરરોજ માટે પોતાના ધંધા રોજગાર ફરી શરૂ કરવા માટેની જગ્યા ફાળવવા અથવા તો જે સ્થાન ઉપર લારી-કેબિનો હોય ત્યાં ફરી મુકવા અને તહેવારોના દિવસો દરમ્યાન રોજગારીના વિકલ્પ આપવાની માંગણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરની જનતાઓ પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી વર્ષોથી પીડાઈ રહી છે. ભાજપનું શાસન આવ્યા બાદ તેની આ સમસ્યામાં અનેકગણો વધારો થયો છે ત્યારે આગામી ચૂંટણીઓમાં કહેવાતા નેતાઓને ઘરભેગા કરવાનો સમય હવે પાકી ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.