માંગરોળ : રસ્તાના અધુરા કામને લઈ લોકોને પડતી હાલાકી

0

માંગરોળ બંદર વિસ્તારમાં રસ્તાના અધુરા કામને લીધે છેલ્લા એક વર્ષથી પડી રહેલી હાલાકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કોન્ટ્રાકટરની બેદરકારીથી રસ્તો અકસ્માતોનું સંભવિત કેન્દ્ર બની ગયો હોય, ગાયબ થઈ ગયેલા કોન્ટ્રાકટરને શોધી યોગ્ય કાર્યવાહી કરવા અને લોકોને પડી રહેલી પારાવાર હાલાકીથી મુકિત અપાવવા ખારવા સમાજ તેમજ બંદર વિસ્તારના સંગઠનો, સમિતિએ જીલ્લા કલેકટર સમક્ષ માંગણી કરી છે. માંગરોળ બંદર સોસાયટી વિસ્તાર, બઈ વિસ્તાર અને મકતુપુરના રોડનું કામ લાંબા સમયથી મંથર ગતિએ ચાલી રહ્યું છે. આશરે ચારેક કિ.મિ. રસ્તાના અણધડ ખોદકામથી લોકો લાંબા સમયથી ત્રાસદી વેઠી રહ્યા છે. જાનહાનિના જાેખમ વચ્ચે લોકોને પોતાના ઘર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. અધુરા કામ અને ખોદકામથી ન.પા.ની પાણીની પાઈપ લાઈનો તુટી ગઈ છે. પરિણામે અનેક ઘરોને પાણીથી વંચિત રહેવું પડે છે. લોકોને પૈસા ખર્ચીને વેચાતું પાણી લેવાની નોબત આવી છે. પાણીના ટેન્કરોને પણ જે તે ઘર સુધી પહોંચવા સાત કોઠા ભેદવા પડે તેવી સ્થિતિ છે. બિમાર વ્યક્તિને એમ્બ્યુલન્સ કે તબીબી સારવાર પૂરી પાડવામાં પણ અનેક મુશ્કેલીઓ પડે છે. રસ્તાની બિસ્માર હાલતથી અનેક લોકો પટકાયા છે. ઘણાં બાળકોના અકસ્માત થયા છે. ભાંગતુટ થઈ છે. અનેક બાળકો મોટા વહાનોની અડફેટે આવતા માંડમાંડ બચ્યા છે. ટુવ્હિલર ચાલકોની જાનની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આટલી મુશ્કેલીઓ ઓછી હોય તેમ બીજી તરફ રસ્તાના વળાંકમાં ખાડો ખોદી નંખાયો છે. આ ખાડો ખોદી એજન્સી જાણે ગાયબ થઈ ગઈ હોવાનું જણાવ્યું છે. ત્યારે રસ્તાનું નિરિક્ષણ કરી લોકોની સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા માંગ કરી છે.

error: Content is protected !!