જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ વિભાગને અભિનંદનની વર્ષા : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ આપ્યા બેસ્ટ કોમ્પલીમેન્ટસ
જૂનાગઢ શહેરની જનતા માટે શનિવારનો દિવસ અતિ મહત્વનો બની ગયો હતો. ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાધનને મુક્ત કરવા માટેનો રાજય કક્ષાના ચાલતા અભિયાનમાં જૂનાગઢ શહેર પણ સહભાગી બન્યું હતું. જૂનાગઢના કાર્યદક્ષ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢમાં આપડું જૂનાગઢ નશામુકત અભિયાન અંતર્ગત રન ફોર જૂનાગઢનો કાર્યક્રમ સુપર રીતે યોજાયો હતો. શનિવારે સવારથી જ જયાંથી આ કાર્યક્રમની શરૂઆત થવાની હતી તેવા કૃષિ યુનિવર્સિટીના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. એટલું જ નહી કૃષિ યુનિવર્સિટીનું રમત-ગમત મેદાન રન ફોર જૂનાગઢ કાર્યક્રમમાં જાેડાનારા યુવા પ્રતિભાવોથી ભરાઈ ગયું હતું. તેમજ આમ જનતા, અગ્રણીઓ, મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના આગમન સાથે જ ભારે ઉત્સાહ છવાયો હતો અને ગૃહમંત્રી દ્વારા સ્ટાર્ટ અપાયા બાદ આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ર૪ હજાર જેટલા દોડવીરો આ રન ફોર જૂનાગઢના કાર્યક્રમમાં જાેડાયા હતા. એક પછી એક ટુકડીઓ બહાર આવતી જતી હતી તેમ કૃષિ યુનિવર્સિટીના ગેઈટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને આ દોડવીરોને ભારે ઉત્સાહ સાથે વધાવી રહ્યા હતા. તેઓનો જુશો ટકાવી રહ્યા હતા અને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા. મોતીબાગ વિસ્તારમાં શનિવારે સાંજથી જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે ઉત્સાહ સર્વત્ર પ્રવર્તી રહ્યો હતો. આ ઉપરાંત જે સ્થળોએ રન ફોર જૂનાગઢના સ્પર્ધકો પસાર થવાના હતા ત્યાં પણ લોકોએ તેમને બમણા ઉત્સાહથી આવકાર્યા હતા. તેમજ સાંસ્કૃતિક સ્ટેજાે પણ ઉભા કરવામાં આવ્યા હતા અને સમગ્ર માહોલ ભારે ઉત્સાહમય બની ગયો હતો. જૂનાગઢ ખાતે યોજાયેલો રન ફોર જૂનાગઢના કાર્યક્રમને અભુતપુર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી. જૂનાગઢથી નશામુકત બનાવવાનો આ સંદેશ સમગ્ર ગુજરાતમાં ગુંજી ઉઠયો છે. આ કાર્યક્રમની અભુતપુર્વ સફળતા અંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને તેમની ટીમને બેસ્ટ કોમ્પ્લીમેન્ટસ આપ્યા હતા.
ગૃહરાજય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જૂનાગઢમાં જિલ્લા પોલીસ આયોજિત ડ્રગ સામેની ઝુંબેશની જનજાગૃતિ રૂપે કાર્યક્રમ રન ફોર જુનાગઢમાં હજારો યુવાનોની દોડને ફ્લેગ ઓફ આપી હતી.
જુનાગઢ પોલીસની ડ્રગ સામેની ઝુંબેશને જિલ્લાના લોકોએ પહોળો પ્રતિસાદ આપી ૨૪,૦૦૦ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હજારો યુવાઓ આ રન ફોર જૂનાગઢમાં જાેડાતા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં લોકોએ જુનાગઢ- ગુજરાત પોલીસની ડ્રગ વિરોધી ઝુંબેશને સમર્થન આપી ઘરે-ઘરે ડ્રગ સામેની લડાઈનો આ સંદેશો પહોંચે તે માટે સંકલ્પ લીધો હતો.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ગૃહરાજ્યમંત્રીએ હજારો લોકોને મોબાઇલની ફલેશ ઓન કરાવી ડ્રગ સામેની પોલીસની આ ઝુંબેશમાં જન સમર્થનના સંકલ્પ સાથે કહ્યું હતું કે, તંદુરસ્ત જીવન માટેની આ લડાઈમાં જીત જનતાની થવાની છે.
રન ફોર જૂનાગઢના પ કિલોમીટર અને ૧૦ કિલોમીટર એમ બે દોડને શુભારંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, બે વર્ષમાં ગુજરાત પોલીસે ૧,૩૬૪ લોકોને ડ્રગ વેચતા પકડી જેલ હવાલે કર્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસ જનતાની સુરક્ષા અને સલામતી માટે રાત દિવસ ખડે પગે રહીને સમર્પિત સેવા ભાવથી કામ કરી રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને પકડવામાં સફળતા મેળવી છે.
ગૃહ રાજ્યમંત્રીએ જુનાગઢ પોલીસની આ ઝુંબેશને બિરદાવતા કહ્યું હતું કે, રન ફોર જૂનાગઢને પ્રચંડ જન સમર્થન મળ્યું છે. તમારી સુરક્ષા માટે અને તમારા બાળકો ડ્રગ્સના આ દુષણમાં ફસાઈ ન જાય અને એમનું ભવિષ્ય ધૂંધળું ન થાય તે માટે પોલીસ ચિંતા કરી રહી છે અને તેમાં જનભાગીદારી જરૂરી છે.
જુનાગઢ પોલીસની વડીલોને ઘરે-ઘરે જઈને મદદ કરવાની કામગીરીને બિરદાવતા મંત્રીએ કહ્યું હતું કે, આ એક સેવાનો મોટો ધર્મ છે. પાનના ગલ્લે ઉભા રહેતા અસામાજિક તત્વોને પકડવાની પોલીસની કામગીરીને પણ મંત્રીએ બિરદાવી હતી.
જુનાગઢ પોલીસની વડીલોને મદદ કરવાની દાદાદાદીના દોસ્ત પોર્ટલ વેબસાઈટનું ગૃહ રાજ્ય મંત્રીએ લોન્ચિંગ કર્યું હતું. આ ઉપરાંત ગુનેગારોની માહિતી આપતી સાવજ એપ્લિકેશન અને પોલીસ જવાનોના સ્વાસ્થ્ય અને જવાનોને તણાવ મુક્ત રાખવાની ઝુંબેશ ડિજિટલ ડીટોકસનો પણ ગૃહરાજય મંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે એસ.પી. હર્ષદ મહેતાએ ગૃહ રાજ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ડ્રગ વિરોધી આ ઝુંબેશમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ એક કાર્યક્રમ નથી પરંતુ આગામી સમયમાં વેગવંતી બનનારી જન જાગૃતિની ઝુંબેશ છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, યુવાઓ ડ્રગની બદીમાં ફસાઈ ન જાય તે માટે આ જનજાગૃતિ આપણે ઘરે-ઘરે પહોંચાડવાની છે. આગામી સમયમાં યુનિવર્સિટી શાળા કોલેજાેમાં પોલીસ રથ દ્વારા પણ જનજાગૃતિ ફેલાવશે તેમ જણાવીને જૂનાગઢની સમગ્ર પોલીસની આ ઝુંબેશ માં જાેડાવા અને રન ફોર જૂનાગઢના કાર્યક્રમને સફળ કરવા માટે તેઓએ આ કાર્યક્રમમાં જાેડાયેલા દરેકને આભારની લાગણી સાથે અભિનંદન આપ્યા હતા.
શરૂઆતમાં જુનાગઢ રેન્જ ડીઆઇજી નિલેશ જાજડિયા અને એસપી હર્ષદ મહેતાએ ગૃહરાજ્યમંત્રીને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં અઘોરી ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને પ્રસ્તુત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ગીતો નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા.
દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે જૂનાગઢના વિવિધ સમાજાે, સંસ્થાઓ, વ્યવસાયક એકમો સહિતનાઓ દ્વારા દોડના રૂટ પર ૨૮ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા. આ મંચ પર સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનારને નિર્ણાયકો દ્વારા ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીગણ તેમજ શહેરની સંસ્થાઓના પ્રતિનિધિઓ ડોક્ટરો અને આ કાર્યક્રમના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.