ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડાના વિવિધ વિકાસ કાર્યોનું થયેલ લોકાર્પણ અને ખાતમુર્હૂત

0

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિસાવદર નજીક આવેલા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ લીધા હતા.
વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે આવેલા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે શ્રી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત “મન વંદના” મનો દિવ્યાંગ બાળકોની સ્કૂલનું લોકાર્પણ, હેલ્થ એઇડ ટ્રસ્ટ સંચાલિત શ્રી જય અંબે હોસ્પિટલ ચાપરડા ખાતે નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ, રક્ષા મંત્રાલય સૈનિક સોસાયટી, શ્રી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ વિદ્યામંદિર સૈનિક સ્કૂલ ખાતે શહીદ સહિત વિવિધ સ્મારક, વિવિધ હોસ્ટેલો તથા સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સનું ભૂમિ પૂજન તથા સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત સંલગ્ન, શ્રી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ડીએલએસએસ સ્કૂલ ખાતે ભૂમિ પૂજન ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું હતું.
આ તકે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી એ જણાવ્યું હતું કે, શ્રી મુક્તાનંદ બાપુના વિચારોને હું વંદન કરું છું. અહી નાના એવા ચાપરડા ગામમાં પૂજ્ય બાપુએ બાળકો માટે સ્કૂલ બનાવી, રમતનું મેદાન બનાવ્યું, દિવ્યાંગ બાળકોની ચિંતા કરી તેમને રહેવાની વ્યવસ્થા કરી, વડીલો માતા પિતાઓ માટે રહેવાની વ્યવસ્થા કરી છે.શિક્ષણ અને આરોગ્ય માટે સતત સેવારત રહી હોસ્પિટલ બનાવી છે.
વધુમાં મંત્રીએ કહ્યું કે,સમાજ સેવાના કાર્યો કરીને મહંત પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ સેવાની ધૂણી ધખાવી રહ્યા છે. આ તકે ગૃહમંત્રીશ્રીએ આવનારા દિવાળીના તહેવારોમાં નાના વેપારીઓ, પાથરણાં પાથરી વિવિધ ચીજ વસ્તુઓ વેચતા શ્રમજીવીઓ પાસેથી ખરીદી કરી આપણી સાથે તેઓની દિવાળી પણ સારી જાય તેમ ખરીદી કરીએ તેમ જણાવ્યું હતુ.
આ તકે મુક્તાનંદ બાપુએ કહ્યું કે, રાષ્ટ્રધર્મ સર્વોપરી છે. અમારી સંસ્થા નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. એક ગુઠો પણ જમીન પેશકદમી ન થાય તે રીતે રાષ્ટ્ર ભાવનાથી આ સંસ્થા ઊભી કરી છે. અહી આવતા વિદ્યાર્થીઓ સારા નાગરિકો બને, દેશની સેવામાં યોગદાન આપે તે માટે અમે કટિબદ્ધ છે. ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ન ફેલાઇ તે માટે રાજ્ય સરકાર અને ગૃહમંત્રી સતત કાર્યરત છે. ગૃહમંત્રી શ્રીએ ટેકનોલોજીની મદદથી પોલીસને આધુનિક બનાવી છે. મંત્રી શ્રી ગૃહ- પોલીસ વિભાગમા ટેકનોલોજી લાવી પારદર્શકતા લાવ્યા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુક્તાનંદ બાપુ અધ્યાત્મની સાથે સાથે રાષ્ટ્રભાવના સાથે સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે અર્જુનભાઈ રાઠોડે શ્રી બ્રહમાનંદ વિદ્યાધામ ચાપરડાનો પરિચય આપવાની સાથે શ્રી મુક્તાનંદ બાપુના સેવા સમર્પિત જીવન પરિચય આપ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ રમતોમાં નેશનલ લેવલે વિજેતા વિધાર્થીઓનું સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઇ માલમ, ડી.આઈ.જી નિલેશ જાજડિયા, નરસિંહ મહેતા યુનિ. કુલપતિ ચેતન ભાઈ ત્રિવેદી, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, વિધાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો.હરેશ ભાઈ કાવાણીએ કર્યું હતું.

error: Content is protected !!