દિવાળીના ટાંકણે જ મનપાના દબાણ હટાવ મહાપાપ અભિયાનના પગલે નાના ધંધાર્થીઓ રોજગાર વિહાણા

0

આગામી ત્રણ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહી આવે તો રેકડી-કેબિનધારકો કોર્પોરેશન ખાતે પરિવાર સાથે કરશે જનઆંદોલન

જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવારોના ટાંકણે જ શહેરમાં ૮૦૦થી વધુ લારી-કેબિનોને મનપા તંત્ર દ્વારા દબાણના બહાના હેઠળ હટાવી દેવામાં આવતા નાના ધંધાર્થીઓમાં ભારે રોષની લાગણી ઉઠવા પામી છે. તહેવારોના દિવસોમાં લારી-કેબિનો દુર થવાથી તેઓના રોજગારી ઉપર મોટો ફટકો પડયો છે અને હાલ બેરોજગારી જેવી સ્થિતિમાં મુકાઈ ગયેલા આ લારી-કેબિનધારકો દ્વારા ગઈકાલે પોતાની લાગણી વ્યકત કરવા તીવ્ર રોષ સાથે કોર્પોરેશને પહોંચ્યા હતા અને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતો. કમિશનર કચેરી સામે રામધુન બોલાવી અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલ હતું. દરમ્યાન સમસ્ત રેકડીધારકો વતી પારવાણી ખુશાલ જેઠાનંદ દ્વારા મનપાના કમિશ્નરને એક આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી, કલેકટર, મેયર તેમજ ધારાસભ્ય સહિતનાઓને તેની નકલ મોકલી અને રજુઆત કરવામાં આવી છે. એટલું જ નહી આગામી ત્રણ દિવસમાં તેઓની સમસ્યાનો ઉકેલ નહી આવે તો જૂનાગઢના રેકડી ધારકો દ્વારા સમસ્ત પરિવાર સાથે મહાનગરપાલિકા સામે જનઆંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેરમાં વોકળા ઉપરના ગેરકાયદેસર બહુમાળી દબાણો દુર કરવાની વાત છે પરંતુ મનપા દ્વારા ફકત નોટિસો આપી અને તે અંગેની કાર્યવાહી પુરી કરી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ઉઠી છે. દબાણો દુર કરવાના બહાના હેઠળ રેકડી ધારકોને દુર કરી અને તેઓને ધંધા વિહોણા કરી દેવાનું મહાપાપ કોર્પોરેશનના સત્તાધિશોએ કર્યું છે તેવી ફરિયાદ પણ ઉઠવા પામી છે.
આ આવેદનપત્રમાં વધુમાં જણાવેલ છે કે, જૂનાગઢ શહેરમાં રોડ નજીક રેકડીઓ ઉભી રાખી નાના ધંધાર્થીઓે/ફેરીયાઓ પોતાનું તથા પોતાના પરિવારનું માંડમાંડ ગુજરાન ચલાવે છે ત્યારે મહાનગર પાલીકાના અધિકારીઓ તથા પદાધીકારીઓ અવારનવાર આવા ગરીબ ફેરીયાઓ તથા રેકડીધારકો ઉપર કાયદાનો દંડો પછાડી તેઓને બેરોજગાર બનાવવાનો પ્રયત્ન કરે છે. જયારે બીજી તરફ જુનાગઢમાં મહાનગરપાલીકા અસ્તિત્વમાં આવી ત્યારથી હજારો બાંધકામ વોકળવા ઉપર ગેરકાયદેસર રીતે ઉભા થઈ ગયેલ છે. અને મોટાભાગે આવા બાંધકામ કરનાર મ.ન.પા.ના પદાધીકારીઓ પણ તેમાં સામેલ છે અને આ માલેતુજાર લોકો સામેકોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મહાનગરપાલીકા તરફથી આવા વોકળા ઉપર બાંધકામ કરનારને ફકત નોટીસ જ ઈશ્ય કરવામાં આવે છે. પછી તોડ કરી નોટીસ ફાઈલ કરી આપવામાં આવે છે. જયારે આવા નાના ફેરીયાઓ અને રેકડી ધારકો સામે કાયદાનો દંડો ઉગામી તેઓને બેરોજગારીના ખપ્પરમાં હોમી રહ્યા છે. મહાનગરપાલીકા તરફથી નાના ફેરીયાઓ અને રેકડી ધારકો પાસેથી દરમાસે રૂા.૩૦૦ જેવી રકમ ઉઘરાવવામાં આવે છે. ખરેખર તો આ સમસ્યા માટે મહાનગરપાલીકા તરફથી આવા ગરીબ ફેરીયાઓ અને રેકડી ધારકો માટે કાયમી ધોરણે તેઓ રોજીરોટી રળી શકે તે માટે જગ્યા ફાળવવામાં આવે જેથી અનેક કુટુંબો બેરોજગારી અને ગરીબીના ખપ્પરમાં હોમાતા બચાવી શકાય. થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે આવેલ ત્યારે તેઓ દ્વારા જૂનાગઢમા વોંકળા ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો તાત્કાલીક દુર કરવા જાહેરમાં સૂચના આપેલ છે જેને જૂનાગઢ મહાનગરપાલીકાના અધિકારીઓ અને પદાધીકારીઓ ઘોળીને પી ગયા છે અને જનતાને આડે રસ્તે ચડાવવા લારી-ગલ્લા હટાવવા અભિયાન ચાલુ કરેલ છે જે ગરીબ જનતા માટે દુઃખદ બાબત છે. આ સમસ્યાનો દિન-૩માં નિકાલ નહી કરવામાં આવે તો સમગ્ર જૂનાગઢના રેકડી ધારકો દ્વારા સમસ્ત પરિવારો સાથે મહાનગરપાલીકા સામે જનઆંદોલન કરવાની ફરજ પડશે જેમાં નીપજનારા તમામ પરિણામની જવાબદારી જૂનાગઢના જવાબદાર અધિકારીઓ તથા પદાધીકારીઓની રહેશે જેની ગંભીર નોંધ લેવા જૂનાગઢ સમસ્ત રેકડી ધારકો વતી પારવાણી ખુશાલ જેઠાનંદની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!