દિવાળીના તહેવાર નજીક આવી પહોંચ્યા છે ત્યારે ચારો તરફ રજાનો માહોલ જાેવા મળી રહ્યો છે. દરમ્યાન જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં પણ દિવાળી વેકેશનને લઇને ૭ દિવસની રજા રહેશે. આ અંગે યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દિવાળી તહેવાર નિમિત્તે ૧૧ નવેમ્બર- શનિવારથી ૧૭ નવેમ્બર- શુક્રવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. રજાને લઇને ૧૦ નવેમ્બર-શુક્રવારના સવારના ૮ વાગ્યા પછીથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે. જ્યારે ૧૭ નવેમ્બર- શુક્રવારના સવારના ૮ વાગ્યાથી યાર્ડમાં જણસીની આવક રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને સોયાબિનની આવક વિપુલ માત્રામાં થતી હોય છે.ત્યારે ખેડૂતોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સોયાબિનની આવક માટે ખેડૂતોને ટોકન આપવામાં આવશે. આ ટોકન નંબરના આધારે સોયાબિનની આવક કરવામાં આવશે. જ્યારે ૧૭ નવેમ્બરને -શુક્રવારે વેકેશન પૂર્ણ થયા બાદ ૧૮ નવેમ્બર- શનિવારને લાભ પાંચમના પવિત્ર દિવસે અને શુભ મુહૂર્તમાં યાર્ડમાં હરરાજી તેમજ વ્યાપારિક કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.