જૂનાગઢ નજીકના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે ધોળા દિવસે શ્રમિકના બંધ મકાનનું તાળું તોડી ૧.૬૦ લાખની રોકડની ચોરી કરીને નાસી ગયા હતા. આ ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર વેકરીયા ગામે જુનાવાસ પાસે રહેતા જયસુખભાઈ સોમાભાઈ મકવાણા તથા તેમના પત્ની જાગૃતિબેન અને માતા જયાબેન ૬ નવેમ્બરની સવારે ૭ વાગ્યે મકાનને તાળું લગાવીને ગામની સીમમાં ખેત મજૂરી કામે ગયા હતા. અને સાંજે ૬ વાગ્યે પરત આવ્યાં હતા. આમ ૧૧ કલાક બંધ રહેલા જયસુખભાઈ મકવાણાના મકાનનું તાળું તોડીને ઘરમાં રહેલ પટારામાંથી તસ્કરો રૂપિયા ૧.૬૦ લાખની રોકડ રકમનો હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે મંગળવારે શ્રમિકે ફરિયાદ નોંધાવતાં વિસાવદર પોલીસે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે.