વેરાવળ નજીકના ડારી ટોલ બુથ પર મધ્યરાત્રીના ૧૧ શખ્સોએ આતંક મચાવી તોડફોડ કરી લૂંટ ચલાવ્યાની ઘટનાના પગલે ચકચાર મચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બીજ ગામના સરપંચ પુત્ર દ્વારા પૂર્વઆયોજીત કાવતરું રચી ધાડ અને લૂંટને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુન્હામાં સંડોવાયેલા સરપંચ પુત્ર સહિત ૧૧ શખ્સોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તોડફોડ બે મહિના પહેલા ટોલબુથ ઉપર થયેલ માથાકુટના મનદુઃખમાં થઈ હોવાનું સામે આવ્યુ છે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે ડીવાયએસપી વી.આર.ખેંગારએ પત્રકાર પરીષદમાં જણાવેલ કે, વેરાવળ જૂનાગઢ હાઇવે પર ડારી ટોલ બુથ પર તા.૦૬ ની રાત્રીના ૨ ઃ ૧૫ વાગ્યા ના સુમારે એક ફોર વહીલ અને બે મોટર સાયકલ પર આવેલા ૧૦ થી વધુ શખ્સોએ ટોલ બુથ પર આતંક મચાવી કોઈ સમજે તે પહેલાં જ લાકડાંના ધોકાઓ વડે તોફાફોડ કરી આતંક મચાવ્યો હતો. આ અંગર ટોલ બુથના કર્મચારી રાજુ દેવયતભાઈ બારડએ કરેલ ફરીયાદમાં જણાવેલ કે, બે મહિના પહેલા બીજ ગામના સરપંચના દિકરા અનિલભાઇ તથા તેના માણસો એ ટોલટેક્ષ ભરવા બાબતે મારામારી તથા માથાકુટ કરી હતી. જે બાબતનું મનદુખ રાખી બીજ ગામના સરપંચના દિકરા અનિલભાઇ તથા તેની સાથેના વિપુલભાઈ સહિત આઠ થી દસ શખ્સોએ અગાઉથી પૂર્વે આયોજીત કાવતરું રચી એક ફોર વહીલ કાર તથા બે મોટર સાયકલમાં રાત્રીના સમયે ડારી ટોલનાકા આગળ આવી પોતાની ઓળખ છુપાવવા સારૂ તમામ શખ્સોએ મોઢે રુમાલ જેવા કપડા બાંધી પોતાના હાથમાં ધોકાઓ, લાકડીઓ અને લોખંડના પાઇપ જેવા હથિયારો ધારણ કરી ટોલનાકાની નવ જેટલી કેબિનોના કાચ તોડી તેમાં અંદર પ્રવેશ કરી ૬ જેટલા કોમ્પ્યુટર તોડી નાંખી અંદાજે રૂ.૪ લાખની સરકારી જાહેર મિલ્કતનું નુકશાન કરી તેમજ ટોલટેક્ષના ઉઘરાવેલ રૂ.૮ હજાર ભરેલ થેલાની લુંટ કરી પોતાના વાહનોમાં નાસી ગયા હતા.
ઉપરોક્ત ઘટનાની જાણ થતાં ટોલબુથ ઉપર દોડી આવેલા એલસીબી, એસઓજી અને સ્થાનીક પોલીસની ટીમોએ સીસીટીવી ફુટેજાે કબ્જે કરી આતંક મચાવનાર શખ્સોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. બાદમાં એકત્ર કરેલ માહિતીના આધારે ગણતરીના કલાકોમાં એલસીબી પીઆઈ એસ.એમ. ઈશરાણી, પીએસઆઈ વી.કે.ઝાલા, એસઓજી એ.બી.જાડેજાના નેતૃત્વમાં બનાવેલ જુદી જુદી ટીમોએ તોડફોડ કરનાર (૧) અનિલ રણસીભાઇ વાજા ઉ.વ.૨૬, (૨) વિપુલ ઉર્ફે વિપુલીયો રાજશીભાઇ કામળીયા ઉ.વ.૧૯, (૩) મહેન્દ્ર રાજશીભાઇ કામળીયા ઉ.વ.૨૦, (૪) કિશન રમેશભાઇ જેઠવા ઉ.વ.૨૩ (૫) જયેશ ભાયાભાઇ ગઢીયા, ઉ.વ.૨૩, (૬) સાગર ભોજાભાઇ વાજા ઉ.વ.૧૮, (૭) પ્રભાતભાઇ ગીરીશભાઇ બારડ ઉ.વ ૨૦ (૮) રાજ ભગવાનભાઇ કામળીયા ઉ.વ.૧૮, (૯) રાજેશ ભાયાભાઇ ગાવડીયા ઉ.વ.૧૯, (૧૦) યોગેશ ઉર્ફે મહેશ પુનાભાઇ મેર ઉ.વ.૨૩ (૧૧) અજય ઉર્ફે ધમો ચકલી વજુભાઇ જેઠવા ઉ.વ.૧૮ ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.