જૂનાગઢના સુપ્રસિધ્ધ દામોદર કુંડ એટલે લાખો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. આવા પવિત્ર દામોદર કુંડમાં દર્શનનો લાભ લેવા અને સ્નાન વિધી સહિતના ધાર્મિક કાર્યો માટે જૂનાગઢ સહિત દેશના દુર-દુરના વિસ્તારોમાંથી ભાવિકો દર વર્ષે આવતા હોય છે. ત્યારે પવિત્ર એવા દામોદર કુંડમાં કાયમને માટે નિર્મળ અને સ્વચ્છ જળ વહેતા રહે તેવું આયોજન કરવાની લાગણી અને માંગણી ભાવિકો દર્શાવી રહ્યા છે. જૂનાગઢ નજીક ભવનાથ તળેટી જવાના માર્ગ ઉપર સુપ્રસિધ્ધ દામોદર કુંડ આવેલો છે. દામોદર કુંડ અને દામોદરજી મંદિરનું ખુબ જ પૌરાણીક મહત્વ છે અને તેટલું જ આધ્યામિક મહત્વ રહેલું છે. ભાવિકો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે તેમજ ભગવાન રાધાદામોદરજી તેમજ રેવતી બલદેવજીના સૌના મનોરથ પુર્ણ કરે છે. આ સાથે જ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનું ખુબ જ મહત્વ છે. જે રીતે ગંગા અને યમુનામાં સ્નાન કરવાનું મહત્વ છે તે જ રીતે દામોદર કુંડમાં સ્નાન કરવાથી પાપ મુકત થઈ લોકો પુણ્યની પ્રાપ્તી કરે છે. ભકત કવિ નરસિંહ મહેતા પણ દરરોજ દામોદર કુંડમાં સ્નાન કરવા આવતા અને અહીં ભજનો પણ ગાતા હતા. પવિત્ર દામોદર કુંડ અને દામોદરજી મંદિર જૂનાગઢની પૌરાણીક ધરોહર છે એવા આ પરમપવિત્ર સ્થાનોની ગરીમા જળવાય તે માટે કામગીરી કરવાની માંગણી ઉઠી છે. મળતી વિગત અનુસાર દામોદર કુંડનું પાણી હાલ દુષિત અને કાળુ પડી ગયું છે. તે અંગેની જૂનાગઢના જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈ દ્વારા રજુઆતો પણ કરવામાં આવી છે અને આ અંગે તાત્કાલીક પગલા ભરવા જણાવવામાં આવેલ છે. બીજી તરફ મનપાના જવાબદાર અધિકારી દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે, દામોદર કુંડમાં પાણી જે દુષિત બન્યું છે તે પરિક્રમામાં લાખો ભાવિકો આવેલા હોય અને પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાથી આ પાણી દુષિત બન્યું છે અને તે પાણી નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભવનાથ ક્ષેત્ર એટલે તીર્થોની નગરી કહેવાય છે. અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. તળેટી જવાના માર્ગ ઉપર જ દામોદર કુંડ આવેલો છે તેમજ રાધાદામોદરજી મંદિર પણ આવેલું હોય ત્યારે અહીં ભાવિકોનો પ્રવાહ સતત આવતો રહ્યો છે. શહેરના લોકો પણ અહીં નિમિત આવતા હોય છે તેમજ દામોદર કુંડ ખાતે દુર-દુરથી ભાવિકો પિતૃ તર્પણ વિધી, શ્રાધ્ધ કર્મ માટે આવતા હોય છે. ત્યારે દામોદર કુંડમાં દુષિત પાણીને લઈને અહીં આવનારા ભાવિકોની લાગણી દુભાતી રહે છે. એવું આયોજન કરવું જાેઈએ કે પવિત્ર દામોદર કુંડમાં કાયમી ધોરણે સ્વચ્છ અને નિર્મળ જળ વહેતું રહે તેવા આયોજનની માંગણી ઉઠી છે.