જૂનાગઢ રોશનીથી જળહળી ઉઠશે : રંગબેરંગી લાઈટિંગ સહિતની કરાતી કામગીરી : રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ યોજાશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ : કલેકટર અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની કરાઈ રહેલી પૂર્વ તૈયારીઓ
પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી માટે જૂનાગઢ જીલ્લો યજમાન બન્યો છે ત્યારે ગરિમામય માહોલમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય તે માટે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જૂનાગઢ માટે ગૌરવ રૂપ આ ઉજવણીને અનુલક્ષીને સરકારી કચેરીઓને નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે. સમગ્ર શહેર રોશનીથી જગમગી ઊઠે તે માટે સરકારી કચેરીઓ સહિતના સ્થળે રંગબેરંગી લાઈટિંગ ઉપરાંત સફાઈ અને રંગ રોગાન માટેની કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આયોજિત જુદા-જુદા કાર્યક્રમો માટે મંડપ-ડોમ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય કક્ષાની સુચારૂ ઉજવણી માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મુખ્ય સંકલન સમિતિ સહિત કુલ-૨૦ જેટલી કમિટીઓની રચના કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે તા.૨૫-૧-૨૦૨૪ના રોજ એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. એટ હોમ કાર્યક્રમમાં જિલ્લાના પ્રતિષ્ઠિત અને ગણમાન્ય નાગરિકો સહભાગી બનશે. જ્યારે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો જૂનાગઢ જિલ્લાની જાહેર જનતા નિહાળી શકશે. આ કાર્યક્રમો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ સંકુલના મેદાન ખાતે યોજવામાં આવશે. ૨૬મી જાન્યુઆરીએ બિલખા રોડ પરની પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે ધ્વજવંદન કરવામાં આવશે. ધ્વજવંદન બાદ શિસ્તબદ્ધ રીતે પરેડ અને દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.