રાજ્યપાલ , મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રંગારંગ કાર્યક્રમ નિહાળ્યો : જૂનાગઢના નગરજનો આ પ્રસ્તુતિથી થયા મંત્રમુગ્ધ
એકતરફ આકાશમાં ગરવા ગિરનારના સાનિધ્યમાં પોષી પૂનમનો ચંદ્ર સોળે કળાએ પ્રકાશિત થઈ રહ્યો હતો, તેવા વખતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાંગણમાં ‘સોરઠ ધરા સોહામણી’ નૃત્ય નાટિકામાં જૂનાગઢનો ઈતિહાસ જાણે સજીવન થઈ ઉઠ્યો હતો. દેવાયત બોદર, રા નવઘણ, નરસિંહ મહેતા, જૂનાગઢની આઝાદી માટે આરઝી હકૂમતની લડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની સભાથી લઈને અયોધ્યામાં રામમંદિરના પુનઃ પ્રતિષ્ઠાન સુધીના પ્રસંગો નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઈ ઊઠ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિએ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
અવસર હતો જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો… ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ, કૃષિ યુનિવર્સિટીના ક્રિક્રેટ ગ્રાઉન્ડમાં રંગારંગ કાર્યક્રમ ‘સોરઠ ધરા સોહામણી’નું મંચન થયું હતું. રાજ્યભરના વિવિધ ૨૫૦ જેટલા કલાકારોએ કરેલી પ્રભાવશાળી પ્રસ્તુતિથી લોકો આફરીન પોકારી ઊઠ્યા હતા. રા નવઘણ માટે દેવાયત બોદરના પુત્રના બલિદાનના પ્રસંગોએ રૂવાડા ખડા કરી દીધા હતા તો નરસિંહ મહેતાની ભજન સૂરાવલિઓએ લોકોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતા. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના નવાબના ર્નિણય સામે જૂનાગઢવાસીઓની સજાગતા અને સરદાર વલ્લભભાઈ પટેલની કૂનેહથી આરઝી હકૂમતે લડાઈ લડીને જે ફતેહ મેળવી અને જૂનાગઢ એક અને અખંડ ભારતનો હિસ્સો બન્યું – આ પ્રસંગે લોકોમાં જાેશ ભરી દીધો હતો. દરમિયાન ગુજરાતના ભાતીગળ લોકનૃત્યો જેવા કે ટીપ્પણીરાસ, તલવાર રાસ, ગરબા વગેરે પણ રજૂ થયા હતા. એ પછી જૂનાગઢ અને ગુજરાતની વિકાસગાથા સાથે રામમંદિર પુનઃ પ્રતિષ્ઠાનના પ્રસંગો સાથે ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી સાથે મંચ પર પ્રગટ થયા ત્યારે લોકો આનંદિત થઈ ઊઠ્યા હતા. કાર્યક્રમ બાદ રાજ્યપાલ , મુખ્યમંત્રી , કૃષિ મંત્રી તથા મુખ્ય સચિવ એ મંચ પર જઈને કલાકારોને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ , મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠિયા, અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાજ્યપાલ ના અગ્ર સચિવ રાજેશ માંજુ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, પ્રભારી સચિવ બંછાનિધિ પાની, માર્ગ મકાન વિભાગના સચિવ એ.કે. પટેલ, પ્રવાસન નિગમના એમ.ડી.આલોક પાંડે, અધિક સચિવ પ્રોટોકોલ જવલંત ત્રિવેદી, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડિસ્ટ્રીક જજ દવે, શહેર પ્રમુખ પુનિત શર્મા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘જાજરમાન જૂનાગઢ’નું વિમોચન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાની અસ્મિતાને ઉજાગર કરતા ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક વારસો, પ્રવાસન, પ્રાકૃતિક વૈવિધ્યતા સહિતના સ્થળોનો ‘ દર્શન ‘ કરાવતી કોફી ટેબલ બુક ‘જાજરમાન જૂનાગઢ’નું વિમોચન કર્યું હતું. આ કોફી ટેબલ બુકના વિમોચનમાં મંચ પરના અન્ય મહાનુભાવો પણ જાેડાયા હતા.
આ કોફી ટેબલ બુકમાં દર્શનીય તસવીરોની સાથે જુદા જુદા સ્થળો- ઈતિહાસ વગેરેની વિગતો જાણવા મળશે. આ બુક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.