જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો અને ચર્ચાઓ ઉઠવા પામેલી છે. વિકાસ કામો કરવા માટે રાજય સરકાર દ્વારા મબલક નાણાંઓ આપવામાં આવે છે પરંતુ યોગ્ય આયોજનના અભાવે નાણાંનો વેડફાટ થાય છે એવી થોકબંધ ફરિયાદો રહેલી છે. આ ઉપરાંત કર્મચારીઓની કામ કરવાની પ્રણાલીકા ઉપર પણ ધ્યાન કેન્દ્ર કરી અવારનવાર ચેકિંગ સહિતની કામગીરી માટે વિજીલન્સ શાખાના અધિકારી કાર્યરત હોય તે જરૂરી છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ મહાનગરપાલિકામાં વિજીલન્સ શાખા કે તેના અધિકારી જ નથી. ખાસ કરીને કર્મચારીઓની ફરિયાદ હોય કે ગેરરિતી હોય, આર્થિક વહિવટ કર્યો હોય તો તેના નિવારણ માટે આ શાખા મહત્વની હોય છે. પરંતુ જૂનાગઢ મનપામાં નથી વિજીલન્સ શાખા કે નથી તેના અધિકારી. ત્યારે હવે ફરિયાદ કરવી ક્યાં તે અરજદારો માટે મોટો પ્રશ્ન છે. ખાસ કરીને વિજીલન્સ અધિકારી મનપાના કર્મચારીઓ- અધિઆરીઓની ફરિયાદ હોય તો તેની સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરતા હોય છે. આવક કરતા કોઇ અધિકારી, કર્મચારી પાસે વધુ સંપત્તિની હોય અને કોઇ ફરિયાદ કરે તો તેની તપાસ કરતા હોય છે. તમામ શાખાઓનાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ પણ કરવાનું હોય છે. ખાસ ગુટલીબાજ કર્મચારીઓ ઉપર પણ નજર રાખવાની કામગીરી વિજીલસ શાખા દ્વારા કરવામાં આવે છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે આ શાખા માટે કર્મચારી અને અધિકારી તો દૂર શાખા જ કાર્યરત નથી. ત્યારે જનતાની ફરિયાદોનો જવાબ મળવાની કે અધિકારી, કર્મચારી સામે કાર્યવાહી થવાની અપેક્ષા રાખવી વધુ પડતી ગણાશે. જાેકે, આ મામલે જૂનાગઢ મનપા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિજીલન્સ શાખા આગામી દિવસોમાં શરૂ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા જણાવ્યું હતું કે, વિજીલન્સ શાખામાં કુલ ૩ વ્યક્તિનો સ્ટાફ હોય છે, જેમાં એક કર્મચારી અને અન્ય બે સહાયક કર્મીનો સમાવેશ થતો હોય છે. પાલિકામાં ગેરરીતિને ડામવા આ શાખા અત્યંત જરૂરી છે. આ બાબતની ગંભીરતાથી તેઓ અવગત છે અને વિજીલન્સ શાખા શરૂ થાય તે માટેના તેમના પ્રયાસો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦ કરતા વધુ વર્ષ પહેલા નિવૃત્ત ડિવાયએસપી એચ.પી. જાેષીને ફિક્સ પગારમાં મનપામાં વિજીલન્સ અધિકારી તરીકે નિમાયા હતા. તેની સાથે એક કર્મી પણ હતો. જાેકે, બાદમાં સરકારના નિયમ મુજબ તેઓ તેમાંથી પણ રિટાયર્ડ થયા. બસ પછીથી કોઇ વિજીલન્સ અધિકારીની નિમણુંક થઇ નથી અને આખી શાખા જ બંધ થઇ ગઇ. હાલમાં કોઇ ફરિયાદ હોય તો કમિશ્નર નક્કી કરે છે કે તપાસ ક્યા શાખા અધિકારીને સોંપવી.