ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાને લઈ અનેક આયોજન
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં દર વખતે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાઈ છે. આ વર્ષે પણ આગામી તા.પ માર્ચ ર૦ર૪થી તા.૮ માર્ચ ર૦ર૪ દરમ્યાન મહાશિવરાત્રીનો મેળો પરંપરાગત રીતે યોજાશે અને આ મેળાને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તંત્ર, જીલ્લા વહિવટી તંત્ર તેમજ ધાર્મિક જગ્યાઓ અને સંતો દ્વારા તૈયારી ચાલી રહી છે. અહીં આવનારા ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેના માટે વિશેષ પગલાઓ લેવામાં આવનાર છે.
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શિવરાત્રીનો મેળો ભકિતભાવ પુર્વક યોજાઈ છે. આ મેળાની શરૂઆત મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરાયા બાદ થાય છે અને ચાર દિવસ સુધી શિવરાત્રીનો આ મેળો યોજાઈ છે. શિવરાત્રીના દિવસે મધ્ય રાત્રીએ સંતોનું ભવ્ય રવાડી સરઘસ નીકળે છે અને ત્યારબાદ ભવનાથ મહાદેવની મહાપૂજા બાદ શિવરાત્રી મેળાની પુર્ણાહુતી થાય છે. શિવરાત્રી મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. આ વર્ષે પણ ૧૦થી ૧ર લાખ ભાવિકો મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડે તેવી ધારણા છે. ભાવિકોની સુવિધા માટે અનેક પ્રકારના આયોજનો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શિવરાત્રીના મેળામાં આવનારા ભાવિકોના માટે પ્રસાદ-ભોજનની વ્યવસ્થા માટે સેવાકીય મંડળો, ઉતારા મંડળો તેમજ સંતો અને ધાર્મિક જગ્યાઓમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોને પ્રેમથી પ્રસાદ-ભોજન કરાવવામાં આવે છે. સેવાનું પુનિત ભાથ્થુ બાંધવામાં આવે છે. આ ઉપરાંત રાત્રીના સમયે સંતવાણીના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવે છે. આ મેળાના આકર્ષણરૂપ દુર-દુરથી સંતો આ મેળામાં પધારે છે અને આ સંતોના દર્શનનો લ્હાવો લેવા ભાવિકો ઉમટી પડે છે. શિવરાત્રીના દિવસે ભવ્ય રવાડી સરઘસ નીકળે છે અને જેમાં સંતોની રવેડી યોજાઈ છે અને આ રવેડી નિહાળવા માટે પણ માનવ મહેરામણ ઉમટી પડે છે. ભવનાથ તળેટી ખાતે યોજાતા શિવરાત્રી મેળાને મીની કુંભ મેળા પણ જાહેર કરવામાં આવેલ છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમયકાળમાં અહીં મીની કુંભ મેળો યોજવામાં આવ્યો હતો અને ત્યારથી દર પાંચ વર્ષે શિવરાત્રીના મેળાને મીની કુંભ મેળા તરીકે ઉજવવાનું નક્કી થયું છે. દરમ્યાન આગામી તા.પ માર્ચ ર૦ર૪થી તા.૮ માર્ચ ર૦ર૪ સુધી શિવરાત્રીનો મહામેળો યોજાઈ રહ્યો છે ત્યારે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવેલ છે. શિવરાત્રીના મેળાને લઈને રવિવારે બપોરે ૪ઃ૩૦ કલાકે ભવનાથ ખાતે આવેલ વસ્ત્રપાથેશ્વર મહાદેવ મંદિર ખાતે એક બેઠકનું આયોજન પણ થયું છે. જેમાં મેળા અનુસંધાને સનાતની વ્યવસ્થાઓના ભાગરૂપે આ બેઠકમાં ફકત સ્થાપત્ય સાધુ-સંતો અને જુદા-જુદા પ્રબુધ્ધ લોકો અને મેળા સાથે સંકળાયેલા સેવાભાવીઓ સાથે બેઠક યોજવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.