દ્વારકામાં ર્નિદય પિતાનો જધન્ય અપરાધ : બે વર્ષની પુત્રીને પટકીને મોતને ઘાટ ઉતારી

0

આરોપી પિતા ફરાર : પોલીસ દ્વારા શોધખોળ

દ્વારકામાં રહેતા એક મજૂર પરિવારના શખ્સ દ્વારા ગતરાત્રે પોતાની બે વર્ષની માસુમ બાળકીને ઉંધી લટકાવી, અને માર મારતા આ બાળકીનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. ભારે કમકમાટીભર્યા આ બનાવની વિગત એવી છે કે દ્વારકામાં ઇસ્કોન ગેઈટ નજીક રાવડા તળાવ પાસે રહેતા રમેશ ડુંગર પરમાર કે જેને સંતાનમાં ચાર પુત્ર તેમજ એક પુત્રી હોય, આ શખ્સ દ્વારા ગતરાત્રિના સમયે તેની બે વર્ષની માસુમ પુત્રી રોશનીને કોઈ કારણોસર પોતાના હાથમાં લીધા બાદ માસુમ બાળાને મારી નાખવાના ઈરાદાથી તેણીના પગ ઉપર ઉંધી લટકાવી અને વારંવાર નીચે પછાડતા બે વર્ષની આ માસુમ બાળકી આ પ્રકારનો અમાનુષી ત્રાસ સહન કરી શકી ન હતી અને થોડી જ વારમાં તેણીને મોઢામાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના મૂળ રહીશ અને દ્વારકામાં હાલ દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે પોલીસ ચોકી નજીક રહી અને છૂટક મજૂરી કામ કરતા દેવીપુજક દાતણીયા પરિવારના અજય વિઠલભાઈ સોલંકી(ઉ.વ. ૨૮)ની ફરિયાદ ઉપરથી દ્વારકા પોલીસે ગત મોડી રાત્રિના સમયે આરોપી રમેશ ડુંગર પરમાર સામે મનુષ્યવધની કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા પિતાના હાથે પુત્રીની હત્યાનું કારણ જાણવા સહિતના મુદ્દે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી, આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી રમેશ પરમારની પત્ની છેલ્લા કેટલાક દિવસોથી તેનું ઘર છોડીને જતી રહી છે. ત્યારે ર્નિદય પિતા દ્વારા માસુમ પુત્રીની આ પ્રકારે કરવામાં આવેલી હત્યાના બનાવથી દ્વારકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

error: Content is protected !!