તોડકાંડના સહ આરોપી દીપ શાહની ધરપકડ : જેલ હવાલે

0
  • દુબઈ ભાગી જવાની ફીરાકમાં હોય ત્યાં જ ગુજરાત એટીએસએ મુંબઈ એરપોર્ટથી ઝડપી લીધો

ગુજરાતભરમાં ભારે ચકચારી બનેલા જૂનાગઢ એસઓજી પોલીસના તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીત અને બેંક એકાઉન્ટની માહિતી પુરી પાડનારા અને દુબઈ જવાની ફીરાકમાં રહેલા અમદાવાદના દીપ રાજેન્દ્ર શાહની ગુજરાત એટીએસએ ગઈકાલે મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી લેવામાં આવેલ અને ગઈકાલે ૧૦ દિવસની રિમાન્ડની માંગણી સાથે તેને જૂનાગઢ કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે તેના રિમાન્ડ ના મંજુર કરતા દિપ શાહને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આમ રિમાન્ડ ના મંજુર થતા જેલ હવાલે કરવામાં આવેલ છે.
જૂનાગઢ બી-ડીવીઝન પો.સ્ટે. ખાતે આઈ.પી.સી. કલમ ૧૬૭, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૩૮૫, ૩૮૯, ૧૧૪, ૧૨૦(બી) તેમજ ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમની કલમ ૭ શ્ ૨ હેઠળ નોંધાયેલ એફ.આઈ.આર. નંબરઃ ૧૧૨૦૩૦૨૪૨૪૦૫૩ની તપાસ હાલ ગુજરાત એ.ટી.એસ. ચલાવી રહેલ છે. આ તપાસમાં ઉંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ કરતા જણાઇ આવેલ કે આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટને શરૂઆતથી જ મદદ કરનાર તેમજ ગેરકાયદેસર નાણાંકીય લાભ લેવા માટે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવવા માટે ૬૦૦થી વધારે બેન્ક એકાઉન્ટની માહિતી આપનાર સહઆરોપી દીપ રાજેન્દ્ર શાહની સઘન પુછપરછ તેમજ તેઓની વિરૂધ્ધ સંકલીત કરેલ પુરાવાઓના આધારે ધરપકડ કરેલ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢ તોડકાંડના ગુનાની તપાસ ગુજરાત એ.ટી.એસ.ને સોંપાતા આ કામના મુખ્ય આરોપી એવા સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટ નાસતા-ફરતા રહેલ જેને ગત તા.૨-૨-૨૦૨૪ના રોજ પકડી પાડી પોલીસ રીમાન્ડ મેળવવામાં આવેલ. જે દરમ્યાન તેઓની પુછપરછમાં તેઓને ભગાડવામાં મદદ કરનાર તરીકે દીપ રાજેન્દ્ર શાહનું નામ ખૂલવા પામેલ તેમજ આ દીપ શાહ ધરપકડથી બચવા માટે દુબઇ ભાગી જવાની ફિરાક હોવાનું જાણવા મળેલ. જે અનુસંધાને દીપ શાહ વિરૂધ્ધ લુક-આઉટ-સક્ર્યુલર(ન્ર્ંઝ્ર) કઢાવવામાં આવેલ. જેના આધારે તેને મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડી એ.ટી.એસ. કચેરી, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ. ત્યારબાદ તેની સઘન પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, દીપ શાહ ડી.સી.બી. અમદાવાદ શહેર ખાતે અગાઉ નોંધાયેલ ફ્રેન્ડશીપ ક્લબ સંબંધેના ગુનામાં પક્ડાયેલ હતો કે જેના તપાસનીશ અધિકારી જે તે સમયના ડી.સી.બી. અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા તત્કાલીન પો.સ.ઇ. તરલ ભટ્ટ હતા. ત્યારથી તેઓ બંને એકબીજાના પરિચય અને સંપર્કમાં આવેલ હતા. તેમજ ત્યારબાદ માધુપુરા ક્રિકેટ સટ્ટા-બેટીંગના ગુનાની રેઇડ દરમ્યાન પણ તત્કાલીન પી.સી.બી. પો.ઇન્સ. તરલ ભટ્ટ દ્વારા આ દીપ શાહને બેન્ક એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા- બેટીંગમાં ઉપયોગ થાય છે કે કેમ ? તેના વેરીફીકેશન માટે બોલાવેલ હતા. તેમજ હાલના જૂનાગઢ તોડકાંડના ગુનામાં ફ્રીઝ કરવામાં આવેલ બેન્ક એકાઉન્ટની માહિતી દીપ શાહ દ્વારા માણાવદર સર્કલ પો.ઇન્સ. તરલ ભટ્ટને આપવામાં આવેલ તેમજ આ અંગે તેમને રૂબરૂ મળવા જૂનાગઢ ખાતે પણ ગયેલ જે અંગે ગુનો નોંધાતા ફરાર થયેલ પો.ઇન્સ. તરલ ભટ્ટને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈન-ઇન્દોર ભાગી જવામાં મદદ કરેલ અને આ જગ્યાએ હોટલોમાં રોકાણ વખતે દીપ શાહ દ્વારા તરલ ભટ્ટ માટે તેના અન્ય પરિચિતનું ઓળખપત્ર આપવામાં આવેલ હતું. બાદમાં તરલ ભટ્ટ પકડાઇ જતા દીપ શાહએ પોતાના તમામ મોબાઇલ ફોન તોડી નાખેલ અને દુબઇ ભાગી જવાની તૈયારીમાં હતા જે દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાં આવેલ લુક-આઉટ-સક્ર્યુલર(ન્ર્ંઝ્ર) આધારે પકડી પાડવામાં આવેલ. વધુમાં, દીપ શાહની પુછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે, આ ગુનામાં પકડાયેલ આરોપી તરલ ભટ્ટના દુબઇથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા બિરજુ શાહ નામના બુકીએ હવાલા મારફતે મુંબઇ ખાતેથી મોકલાવેલ નાણાં રૂા.૨૭,૯૪,૪૦૦/- તેમજ રૂા.૯,૮૪,૪૦૦/- અલગ અલગ તારીખ સમયે આંગડીયામા મંગાવી પોતાના માણસ મારફતે તે પૈસાની ડીલીવરી મેળવી આરોપી તરલ ભટ્ટના માણસને આપેલ. આમ દીપ શાહ શરૂઆતથી અંત સુધી સદર ગુનામાં મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટનાઓ સાથે સંકળાયેલ છે. તેમજ સદર આરોપી દીપ શાહ નાઓ અગાઉ (૧) અમદાવાદ ડ્ઢઝ્રમ્ પો.સ્ટે.માં ફ. ગુ.ર.નં. ૨૮૧/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ તથા (૨) અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ વેસ્ટ ફ. ગુ.ર.નં. ૦૯/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૦૬, ૪૦૬, ૪૨૦ તથા (૩) કલોલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૫૦૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૦૩, ૫૦૪, ૩૨૩, ૧૧૪ તથા અમદાવાદ નવરંગપુરા પો.સ્ટે.ના ચીટીંગના બે ગુનાઓમાં પકડાયેલ છે તેમજ તેને પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરએ પાસા હુકમ નં.૬૨૩/૨૦૧૬ તા.૮-૧૧-૨૦૧૬થી પાસા હેઠળ અટકાયત કરેલ હતો. આમ મુખ્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટ દ્વારા પોતાના અંગત એવા દીપ શાહ મારફતે મેળવેલ બેન્ક એકાઉન્ટની માહિતીને ક્રિકેટના સટ્ટા બેટીંગના જુગારના કેસો કરવા અંગેની ડ્રાઇવ મુજબની બાતમી બતાવી જૂનાગઢ સાયબર સેલ મારફતે આ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવી તે એકાઉન્ટ અન-ફ્રીઝ કરાવવા જે-તે બેન્ક એકાઉન્ટમાં રહેલ રકમની ૪૦% થી ૫૦% રકમ પોતે પોતાના માટે તથા પોતાના સાગરીત દીપ શાહ માટે માંગેલ હતા. જે માંગણી બાબતેના સ્વતંત્ર સાહેદોના સી.આર.પી.સી.ની ક. ૧૬૪ હેઠળ નિવેદનો પણ લેવામાં આવેલ છે. તેમજ કોઇ ગર્ભીત કારણોસર ક્રિકેટ સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા એક ખાસ બુકી પાસેથી સહઆરોપી દીપ શાહ મારફતે કુલ રૂા.૩૭,૭૮,૮૦૦/- આંગડિયા થકી મેળવેલ છે. તેમજ આ ગુનામાં ફ્રીઝ થયેલ અન્ય બેન્ક એકાઉન્ટના માલિકો ઉપર દબાણ બનાવી પૈસા મેળવવા માટેનું ગુનાહિત કાવતરૂં આ બંને પકદાયેલ આરોપીઓ દ્વારા રચેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે.

error: Content is protected !!