આવતીકાલ તા.ર માર્ચ શનિવારથી દરરોજ સવારે નાસ્તો અને સવાર સાંજે શુધ્ધ ઘીની મીઠાઇ, શુધ્ધ સિંગતેલમાં તૈયાર થયેલ ફરસાણ તેમજ મહાપ્રસાદનો લાભ લેવા પૂ. નરેન્દ્રબાપુનું ભાવભર્યું આમંત્રણ
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં પ્રતિ વર્ષ યોજાતા શિવરાત્રીનો મહામેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શિવરાત્રી મેળા અંગેની તડામાર તૈયારી પુરજાેશથી ચાલી રહી છે. ધાર્મિક સ્થળો સેવાકિય મંડળો અને ઉતારા મંડળ દ્વારા અહીં આવનારા ભાવિકો માટે પ્રસાદ ભોજન માટે અન્નક્ષેત્રો શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. રપ૦થી વધારે ઉતારા-અન્નક્ષેત્રો ધમધમી ઉઠશે ત્યારે આપાગીગાના ઓટલો ચોટીલાધામના મહંત અને મહામંડલેશ્વર પૂ. નરેન્દ્રબાપુ દ્વારા આવતીકાલથી શિવરાત્રી મેળાના પ્રારંભ પુર્વે જ અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવનાર છે અને જે અંગેની તૈયારી ચાલી રહી છે.
શ્રી આપાગીગાના ઓટલા દ્વારા તેની ભવ્યાતિ ભવ્ય ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પરમ કૃપાળુ દેવાધી દેવ મહાદેવની ભકિતમાં સમગ્ર સંતો મહંતો તેમજ સમગ્ર સમાજના લોકો જયારે ઓળધોળ થવાના છે. ત્યારે આ અવસરે શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં લાલ સ્વામીની જગ્યા ભવનાથ, જૂનાગઢ ખાતે સમગ્ર સમાજના લોકો સાધુ સંતો ભાઇઓ, બહેનો માતાઓ યુવાનો અઢારેય કોમ માટેનું છેલ્લા ઘણા વર્ષોથી અન્નક્ષેત્રેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રભાઇ બાપુ ગુરૂશ્રી જીવરાજબાપુની(નરેન્દ્રભાઇ સોલંકી) તેમજ સમગ્ર કાર્યકર્તાઓની ટીમ દ્વારા ભગવાન ભોળાનાથની આગેવાનીમાં તેમજ શ્રી જીવરાજબાપુના શુભાશીષથી અન્નક્ષેત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સેંકડો ભાવીકો માટે મહાપ્રસાદ રૂપી ભોજનની સેવા માટે જુનાગઢ શહેર, જુનાગઢ જિલ્લાના ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમાજના કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના દરેક સમાજના સ્વયંમસેવકોમાં હરખની હેલી ચડી છે અને સૌ સાથે મળી ખંભેખંભા મીલાવી અને કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયુ છે. શ્રી નરેન્દ્રબાપુએ જણાવેલ કે જૂનાગઢના મહાશિવરાત્રી મહોત્સવ અંતર્ગત તા.ર માર્ચ શનીવાર સવારથી જ શ્રી આપાગીગાના ઓટલાનું અન્નક્ષેત્ર સમગ્ર સમાજના લોકો માટે ધમધમતુ થઇ જાશે. જેમાં સવારના સમયમાં દરેક લોકોને ચા-પાણી-નાસ્તો અને બપોરે અને સાંજે શુધ્ધ ઘીના બે મીઠાઇઓ, શુધ્ધ સિંગતેલમાં બનેલ બે શાક, ફરસાણ, દાળ, ભાત, શાક, ખીચડી, કઢી, વગેરેનો ભોજનરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ ભગવાન સદાશીવ, માં ભગવતી તેમજ માં બહુચરાજી, ભગવાન દ્વારકાધીશના આર્શીવાદથી અને અમારા પરમ સદ્્ગુરૂ દેવ શ્રી જીવરાજબાપુની પ્રેરણાથી ચાલુ થઇ જશે તેમજ તા.૮ માર્ચ શુક્રવારના દિવસે સંપૂર્ણ દિવસ માટે સવારથી લઇ રાત્રી સુધી આખા દિવસ શિખંડ, રાજગરાના લોટનો સામાની ખીર, ફરાળી ખીચડી, સુકી ભાજી, રાજગરાના લોટની પુરી, ફરાળી ચેવડો, ફરાળી કઢી, વિગેરે અનેક પ્રકારની ફરાળી આઇટમો પણ પીરસવામાં આવશે. શિવરાત્રી મહોત્સવના મહાપ્રસાદનો અનેરો મહીમા છે. મહોત્સવમાં આવતા તમામ ભાવિકોને સંપૂર્ણ પણે વિનામુલ્યે મહાપ્રસાદ લેવા માટે જાહેર નિમંત્રણ અપાયું છે. અઢારેય કોમના દરેક લોકોને ભોજનરૂપી મહાપ્રસાદ લેવા માટે તા.ર-૩ને શનીવારથી લઇ અને તા.૯-૩ને શનિવાર સુધી આ અન્નક્ષેત્ર ધમધમવાનું છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે. તા.પ-૬-૭ મંગળવાર, બુધવાર અને ગુરૂવાર રાત્રીના નામાંકિત કલાકારો દ્વારા ત્રણ દિવસ સુધી રોજ રાત્રે ભજન અને લોક ડાયરાની જમાવટ થનાર છે. ભજન ભોજન અને ભકિતનો ત્રીવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યની મેળામાં આપાગીગાના ઓટલાના અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ લેવા શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરી છે.