ચાર દિવસના મેળાનો આજે અંતિમ દિવસ : ૧ર લાખ કરતા પણ વધારે ભાવિકોએ માણ્યો શિવરાત્રી મેળાનો આનંદ
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ખાતે યોજાતા મહા શિવરાત્રિના મેળામાં ગઈકાલે એક જ દિવસમાં ૬ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા છે. પરિણામે મેળામાં માનવ મહાસાગર ઘુઘવતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભવનાથનો મહા શિવરાત્રિનો મેળો હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે અને આજે શિવરાત્રીના દિવસે દિગંબર સહિતના સાધુ, સંતોની રવેડી અને મધ્ય રાત્રિના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહૂતી થશે. શિવરાત્રી મેળામાં દિવસ કરતા પણ રાત્રિના સમયે ભાવિકોની ભીડ વધુ જોવા મળી રહી છે. દરમ્યાન ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, મેળાના ત્રીજા દિવસે ભાવિકોની ભીડ વધુ રહી છે. હાલમાં ભવનાથથી લઇને દામોદર કુંડ સુધી ભાવિકોનો પ્રવાહ અવિરત રીતે વહી રહ્યો છે. માર્ગો ઉપર જાણે માનવ કીડીયારૂ ઉભરાયું હોય તેમ જણાઇ રહ્યું છે. ગુરૂવારે ૬ લાખથી વધુ ભાવિકો મેળો માણવા અને સાધુ, સંતોના દર્શન કરવા ઉમટી પડયા હતા. ત્યારે રેન્જ ડીઆઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં એસપી હર્ષદ મહેતા સહિતના પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે. આવનાર ભાવિકોને કોઇપણ મુશ્કેલી ન પડે તે માટે તમામ સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છેે. મહા શિવરાત્રિ મેળામાં ત્રણ દિવસમાં ૧૨ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા છે. મેળાના પ્રથમ દિવસ- મંગળવારે ૨ લાખ ભાવિકો આવ્યા હતા. બીજા દિવસ- બુધવાર ૪ લાખથી વધુ ભાવિકો આવ્યા હતા. જ્યારે ત્રીજા દિવસ-ગુરૂવારે ૬ લાખથી વધુ ભાવિકોની ભીડ જોવા મળી રહી છેે. આમ, માત્ર ૩ જ દિવસમાં મેળામાં ૧૨ લાખથી વધુ ભાવિકોની હાજરી જણાય છે.