ગઈકાલે મહાશિવરાત્રીના મેળામાં ભવ્ય રવેડી સરઘસ, સંતોના દર્શન, મૃગીકુંડમાં સ્નાન અને પૂજનવિધી સાથે ભવનાથમાં ગુંજી ઉઠયો હર હર મહાદેવ હરનો નાદ : ગઈકાલે એક જ દિવસે ૮ લાખ કરતા પણ વધુ ભાવિકોએ લીધો દિવ્ય દર્શનનો લાભ
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા શિવરાત્રી મહામેળો ગઈકાલે મધ્ય રાત્રીએ ભવનાથ મહાદેવની મહાઆરતી, મહાપૂજા સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે અને સંતો પોતપોતાના સ્થાને જવા રવાના થયા તેમજ ભાવિકો પણ અન્ય ધાર્મિક સ્થળોએ જવા રવાના થયા હતા. ભવનાથ તળેટી ખાતે ગત તા.પમી માર્ચના રોજ ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો. આ મેળાનો અંતિમ દિવસ એટલે કે ૮મી માર્ચ અને મહાશિવરાત્રીનું પાવનકારી પર્વ હોય અને મેળાનો અંતિમ દિવસ હોય તમામ માર્ગો ભવનાથ તરફ જ વહેતા થયા હતા અને દુર-દુરથી આવેલા ભાવિકો અને સંતો તળેટીમાં ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રીના દિવસે એટલે કે ગઈકાલે પરંપરાગત રીતે દિગંબર સાધુઓનું નિર્ધારીત સમયે ભવ્ય રવાડી સરઘસ નીકળ્યું હતું. જુના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડાના સંતો આ રવાડી સરઘસમાં જાેડાયા હતા. આ સરઘસમાં જુના અખાડાના ઈષ્ટદેવ ગુરૂ દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના ઈષ્ટદેવ ગણેશજી ભગવાન અને અગ્નિ અખાડાના ઈષ્ટદેવ ગાયત્રી માતાજીની પાલખી ત્રણેય અખાડાના ધ્વજ સાથે નીકળી હતી અને જે તે અખાડાના સંતો તલવારબાજી, લાઠીદાવ સહિતના અંગકસરતના દાવ ખેલતા હતા અને રવેડી રૂટ પર આ રવાડી સરઘસ નીકળ્યું હતું. આ વર્ષે પ્રથમવાર એવું બન્યું હતું કે, બગીને બદલે મહાશિવરાત્રીની રવાડી ટ્રેકટરોમાં નીકળી હતી. આ રવાડી સરઘસમાં સંતો-મહંતો, મહામંડલેશ્વર અને વરિષ્ઠ સંતોની ખાસ ઉપસ્થિતિ રહી હતી. વાજતે-ગાજતે નીકળેલી આ રવેડી સરઘસના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. ગઈકાલે એક દિવસે આઠ લાખ કરતા પણ વધારે ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. શિવરાત્રીના દિવસે ભવનાથમાં દરેક શિવાલયોમાં ભોળાનાથની પૂજા, અર્ચના, અભિષેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રવેડીના દર્શન માટે આવેલા લાખો શ્રધ્ધાળુઓ બપોરથી જ રૂટ ઉપર બેસી ગયા હતા. રવેડીના રૂટ ઉપર રંગોળી કરવામાં આવી હતી અને ઠેર-ઠેર સાધુ-સંતોનું ગુલાબની પાંદડી પાથરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રવેડી સરઘસ જયાં જયાંથી પસાર થયું ત્યાં ભાવિકોએ દર્શનનો અનન્ય લ્હાવો લીધો હતો. રવેડી જુના અખાડાથી શરૂ થઈ અને રૂટ ઉપર ફરતા રાત્રીના ૧ર કલાકે ભવનાથ મંદિરે પહોંચી હતી. દિગંબર સાધુઓએ રવેડીમાં અંગકસરતો, તલવારબાજીના દાવો કર્યા હતા અને ઉપસ્થિત જન સમુદાયએ આ હેરતઅંગેજ દાવો નિહાળ્યા હતા. રવેડી પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે સંતોનું મૃગીકુંડમાં શાહીસ્નાન, પૂજન તેમજ ભવનાથ મહાદેવ મંદિરે ભવ્ય અને દિવ્ય મહાપૂજા કરવામાં આવી હતી અને સમગ્ર ગિરનાર ક્ષેત્ર હર હર મહાદેવ હરના નાદથી ગુંજી ઉઠયો હતો. ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે જ શિવરાત્રી મેળાની પૂર્ણાહુતી થઈ હતી. શિવરાત્રી મેળાની પૂર્ણાહુતી સાથે આજે વિવિધ અખાડાઓ અને આશ્રમોમાં સાતુ-સંતો દ્વારા ગોલાપૂજનના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા અને સંતોએ ભાગ લીધો હતો. ગત તા.પ માર્ચથી તા.૮ માર્ચ દરમ્યાન યોજાયેલા શિવરાત્રીના મહામેળામાં આ વર્ષે ૧૦ લાખ ઉપરાંત માનવ મેદની ઉમટી પડી હતી અને શિવરાત્રી મેળા દરમ્યાન કોઈપણ જાતની ગેરવ્યવસ્થા કે અનિચ્છનીય બનાવ બને નહી તે માટે જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર અને સંબંધિત તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવાયા હતા. શિવરાત્રી મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે ત્યારે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલે લાખોની માનવ મેદનીની ઉપસ્થિતિમાં શિવરાત્રી મેળો સંપન્ન થયો હતો અને ભવનાથ મહાદેવના અનન્ય દર્શનનો લ્હાવો હજારો ભાવિકોએ માણી અને હર હર મહાદેવ હર જય ભોલે હર ભોલેનો નાદ સર્વત્ર ગુંજી ઉઠયો હતો.