ખંભાળિયા-જામનગર માર્ગ ઉપર કારની અડફેટે માતા-પુત્રીના કરૂણ મૃત્યું : અરેરાટી

0
  • લગ્ન પ્રસંગમાંથી ભરાણા ગામે પરત આવતા સર્જાઈ કરૂણાંતિકા

ખંભાળિયા નજીક કજુરડા ગામના પાટીયા પાસેથી આજરોજ ચઢતા પહોરે બહારગામથી પરત આવીને રોડ ક્રોસ કરીને ઘર તરફ જઈ રહેલા ક્ષત્રિય સમાજના માતા-પુત્રીના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજયા હતા. આ કરૂણ બનાવવાની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા હિનાબા જાડેજા નામના ૩૨ વર્ષના મહિલા તેમની ૯ વર્ષની પુત્રી કૃપાબા જાડેજાને લઈને કચ્છ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ તેઓ ગઈકાલે ત્યાંથી નીકળ્યા હતા અને આજરોજ સવારે અહીં પરત ફર્યા હતા. આજે સવારે આશરે ૫ઃ૩૦ વાગ્યે તેઓ ખંભાળિયા-જામનગર હાઈવે ઉપર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે વાહનમાંથી ઉતરી અને ભરાણા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે અહીં રોડ ક્રોસ કરતી વખતે જામનગર તરફથી આવી રહેલી એક મોટરકારની અડફેટે આ માતા પુત્રી આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હિનાબા તથા તેમના પુત્રી કૃપાબાને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબોએ આ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા. ખંભાળિયાના ભરાણા ગામના રાજપુત પરિવારના માતા-પુત્રી લગ્ન પ્રસંગમાંથી પરત આવતા બનેલા આ કરૂણ બનાવે રાજપૂત સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

error: Content is protected !!