- જીલ્લા પંચાયત ગેસ્ટહાઉસ સામેના પાર્કિંગમાં શિવાજી મહારાજની પ્રતિમા મુકાશે
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડથી ભવનાથ પોલીસ ચોકી સુધીના માર્ગને સનાતન પથ બનાવવામાં આવશે તેમજ જીલ્લા પંચાયત ગેસ્ટહાઉસ સામેના પાર્કિંગમાં શિવાજી મહારાજની પ્રતિમા મુકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ગઈકાલે મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થ ક્ષેત્ર કે જે તીર્થોનું ધામ છે. જયાં પુરાતન ધાર્મિક સ્થળો આવેલા છે. દામોદર કુંડ, ભવનાથ મહાદેવ મંદિર સહિતના સ્થળો લોકોની આસ્થાના કેન્દ્ર એવા ધર્મસ્થાનો આવેલા છે. દરમ્યાન તાજેતરમાં શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવ્યો હતો અને દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા તેમજ સંતોના દર્શનનો અનેરો લાભ લીધો હતો. ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. દિવસે-દિવસે ભવનાથ વિસ્તારનું મહત્વ વધતું જાય છે અને ધર્મસ્થાનોના દર્શને દેશ-વિદેશમાંથી ભાવિકો આવી રહ્યા હોય આ સાથે જ ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે અને જૂનાગઢ શહેરમાં આગામી દિવસોમાં રૂા.રપ કરોડના વિકાસ કામો કરવામાં આવનાર છે. આ વિકાસ કામોમાં સૌથી મહત્વની વાત એ છે કે ધાર્મિક સ્થાન તરીકે દેશભરમાં સુવિખ્યાત બની ગયેલા ભવનાથ વિસ્તારમાં પણ વિકાસની કામગીરી માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ બેઠકમાં દામોદર કુંડથી ભવનાથ પોલીસ ચોકી સુધીના રસ્તાને સનાતન પથ બનાવવામાં આવશે. એટલું જ નહી રોડની બંને બાજુ સીટીંગ પાથ અને આકર્ષક એમનીટીઝ બનાવાશે. આ ઉપરાંત જીલ્લા પંચાયતના ગેસ્ટહાઉસના પાર્કિંગમાં શિવાજી મહારાજની પ્રતિમા પણ મુકવાનું નક્કી કરવામાં આવેલ છે અને અન્ય વિકાસ કામો વિગેરે મળીને કુલ રપ કરોડના કામોને સ્થાયી સમિતીની બેઠકમાં મંજુરી આપવામાં આવી છે.