દ્વારકામાં જગત મંદિર ખાતે આગામી હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, હોળીના તહેવાર પર ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકો તેમજ પદયાત્રીઓ દ્વારકાધીશ મંદિર ખાતે કાળીયા ઠાકોરના દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રિકોની સુરક્ષા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય અને સલામતીની તકેદારી રાખવી જરૂરી છે. આ ઉપરાંત ફૂલડોલ ઉત્સવ અંગે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી સુચારુ વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, દ્વારકાના પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, ખંભાળિયાના પ્રાંત અધિકારી કે.કે. કરમટા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ અને સમીર સારડા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.